ડ્યૂટી અવર્સ, સુવિધાઓ અને સમિતિની ભલામણો માટે રણકાર
અમદાવાદમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન (WREU) દ્વારા રેલવે કર્મચારીઓની લાંબા સમયથી પડતર રહેલી સમસ્યાઓને લઈને તેજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગાંધીધામ રેલવે સ્ટેશન નજીક યોજાયેલા આ આંદોલનમાં મંડલ મંત્રી ઘનશ્યામ યાદવ, મંડલ અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વર્મા અને સંયુક્ત મંડલ મંત્રી સંજયભાઈ સૂર્યબલીના નેતૃત્વમાં સેંકડો કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. 11 નવેમ્બરથી શરૂ થયેલ આ આંદોલન 20 નવેમ્બર સુધી અમદાવાદ ડિવિઝનના અનેક સ્ટેશનો પર ધરણાંના સ્વરૂપે ચાલુ રહેશે. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને રેલવે બોર્ડની નીતિઓને કર્મચારીઓના હિતો વિરુદ્ધ ગણાવી હતી.
રેલવે કર્મચારીઓની મુખ્ય માગણીઓ: કામનો ભાર ઘટાડવો અગત્યનો
WREU દ્વારા રજૂ કરેલી માગણીઓમાં સૌથી અગત્યનો મુદ્દો લોકો પાયલટ (Loco Pilot) અને રનિંગ સ્ટાફના ડ્યૂટી અવર્સનો છે. યુનિયનનું કહેવું છે કે રેલવે બોર્ડે નક્કી કરેલ 8 કલાકની ડ્યૂટી મર્યાદાનું કોઈ પાલન થતું નથી, અને ઘણાં લોકો પાયલટને 9 કલાકથી વધુ કામ કરાવવામાં આવે છે. આ પરિસ્થિતિ તેમની શારીરિક અને માનસિક ક્ષમતા પર સીધી અસર કરે છે. સ્ટાફને 36 કલાકની અંદર તેમના હેડક્વાર્ટર પરત બોલાવવા અને 72 કલાકથી વધુ સમય સુધી બહાર રાખવાની વ્યવસ્થા બંધ કરવાની માગણી પણ યુનિયને ઉઠાવી છે. સાથે સાથે આરામની સુવિધાઓ, સુરક્ષા માળખું અને કાર્યસ્થળના વાતાવરણમાં સુધારો કરવાની પણ યુનિયનની માંગ છે.

ડી.પી. ત્રિપાઠી સમિતિની ભલામણો અમલમાં મૂકવાની માંગ
યુનિયનના પ્રતિનિધિઓએ કહ્યું કે ડી.પી. ત્રિપાઠી સમિતિએ રનિંગ સ્ટાફની નોંધપાત્ર સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વપૂર્ણ ભલામણો કરી હતી. તેમ છતાં, રેલવે બોર્ડે આ ભલામણોને અમલમાં મૂકવા માટે કોઈ ગંભીર પગલાં લીધા નથી. કર્મચારીઓનું માનવું છે કે જો આ સૂચનો અમલમાં મુકાય, તો લોકો પાયલટનો તણાવ ઘટશે અને તેમની કામગીરીમાં સુધારો થશે. યુનિયને કહ્યું છે કે રેલવે બોર્ડે જલ્દી નિર્ણય ન લે તો આંદોલન વધુ વ્યાપક બનશે.
વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનવાની ચેતવણી
ગાંધીધામ ખાતે યોજાયેલા પ્રદર્શન દરમિયાન નેતાઓએ સ્પષ્ટ કર્યું કે જો રેલવે બોર્ડે સમયસર ચર્ચા કરીને ઉકેલ નહીં લાવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. સંયુક્ત મંડલ મંત્રી સંજયભાઈ સૂર્યબલીએ જણાવ્યું કે આ લડત માત્ર કર્મચારીઓના અધિકારો માટે નહીં, પરંતુ રેલવેની કુલ કામગીરીને સુરક્ષિત રાખવા માટે છે. યુનિયનનું સ્પષ્ટ કહેવું છે કે લોકો પાયલટ અને રનિંગ સ્ટાફની પરિસ્થિતિમાં સુધારો થશે, તો રેલવે સેવાઓની ગુણવત્તા પણ વધશે.

રેલવે સેવાઓ પર થઈ શકે છે અસર
યુનિયન દ્વારા કરવામાં આવતી આ ચેતવણીને ધ્યાનમાં લેતાં સ્પષ્ટ છે કે જો રેલવે બોર્ડે તેમની માગણીઓ પર સમયસર નિર્ણય નહીં કરે, તો આંદોલનનો અસર રેલ સેવા પર પણ પડી શકે છે. કર્મચારીઓની કામની કઠિન પરિસ્થિતિ અને વધતા કામના બોજાને કારણે તેમની સ્થિતિ ચિંતાજનક બની છે. રેલવે બોર્ડે આ મુદ્દાઓને ગંભીરતાથી ઉકેલવા જોઈએ, જેથી જનતાને પણ અવરોધરહિત સેવા મળી રહે.

