ભારે વરસાદનું એલર્ટ: ગુજરાતમાં આગામી 3 દિવસમાં મેઘરાજાની તોફાની બેટિંગ, જાણો ક્યાં ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે જાંબુઘોડામાં 6.89 ઈંચ અને બોડેલીમાં 6.46 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જે 10 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આ રાઉન્ડમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે.
રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને રાજ્યના અન્ય આઠ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
ડેમના દરવાજા ખોલાયા
સારા વરસાદના કારણે રાજ્યના મુખ્ય ડેમ પણ ભરાઈ ગયા છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધી રહી છે. બપોરના 12 કલાકથી ડેમના 23 દરવાજા 2.20 મીટર ખોલીને 3,60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પાવરહાઉસ દ્વારા પણ 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા કુલ 4,05,000 ક્યુસેક પાણી નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે. સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે નર્મદા નદીમાં 4 લાખ 46 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ પરિસ્થિતિને જોતા, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને સાવધાન રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે જવાની અને કોઈપણ જોખમી વિસ્તારમાં પ્રવેશ ન કરવાની અપીલ કરવામાં આવી છે.