રાજકોટમાં હોટલ-રેસ્ટોરન્ટમાં દરોડા, ગેરકાયદેસર વપરાતા ઘરેલુ ગેસ સિલિન્ડર જપ્ત
મધ્ય પૂર્વ એશિયામાં પ્રવર્તતી યુદ્ધની સ્થિતિ વચ્ચે નાગરિકોને ઘરેલુ ગેસનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ તાલુકાઓમાં તપાસની કામગીરી તેજ કરવામાં આવી છે. રાજકોટના લોધીકા, કોટડા સાંગાણી અને ગોંડલ જેવા વિસ્તારોમાં હાથ ધરાયેલા દરોડા દરમિયાન અંદાજે રૂ. ૨,૦૭,૧૩૮ ની કિંમતના ગેરકાયદેસર ઘરેલુ ગેસ સિલિન્ડર સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
હોટલ અને રેસ્ટોરન્ટમાં ઘરેલુ સિલિન્ડરના વપરાશ પર ત્રાટકી ટીમો
જિલ્લા પુરવઠા વિભાગની ટીમોએ વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ્સ, ચાની લારીઓ અને નાસ્તા હાઉસમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. ગોંડલના બિલિયાળા ગામેથી ૨૫ નંગ સિલિન્ડર અને શહેરના રહેણાંક વિસ્તારમાંથી ૩૮ ખાલી સિલિન્ડર મળી આવ્યા હતા. તેવી જ રીતે લોધીકાના મેટોડા GIDC વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાંથી પણ વ્યાવસાયિક હેતુ માટે વપરાતા ઘરેલુ સિલિન્ડર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ જથ્થો સીઝ કરી નજીકની ગેસ એજન્સીઓને સોંપી દેવામાં આવ્યો છે જેથી તેનો યોગ્ય વિતરણ થઈ શકે.
કોટડા સાંગાણી અને અન્ય તાલુકાઓમાં સઘન ચેકિંગ
કોટડા સાંગાણી તાલુકાના પડવલા અને રામોદ ગામેથી પણ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા સિલિન્ડરો મળી આવ્યા હતા. રામોદ ગામે એક ઘરમાંથી ૩૧ નંગ ખાલી ઘરેલુ ગેસ સિલિન્ડર મળી આવતા પુરવઠા વિભાગની ટીમે રૂ. ૫૯,૬૫૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ઘરેલુ વપરાશ માટેના ગેસનો ઉપયોગ ધંધાકીય પ્રવૃત્તિમાં કરવો એ કાયદાકીય ગુનો છે, અને આવા કિસ્સાઓમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ વગર કડક પગલાં ભરવામાં આવશે.
ગેસ એજન્સીઓ પર ચાંપતી નજર અને વહીવટી વ્યવસ્થા
સમગ્ર જિલ્લામાં કુલ ૧૮ ગેસ એજન્સીઓની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. પુરવઠા વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે દરેક એજન્સી અને ગોડાઉન દીઠ એક મહેસુલી કર્મચારી અને એક પોલીસ જવાનને તૈનાત કરવામાં આવ્યા છે. નાયબ મામલતદારની સીધી દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે જેથી કાળાબજાર અટકાવી શકાય. તંત્રના આ કડક વલણને કારણે ગેરકાયદેસર સંગ્રહખોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સામાન્ય જનતાને રાહત મળવાની આશા જાગી છે.

