નાગોના વીડિયો વાયરલ થતા વન વિભાગની મોટી કાર્યવાહી
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ખેતલા આપા મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયાની ગત મોડી રાતે વન વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. મહંત દ્વારા મંદિરને નાગોના નિવાસસ્થાન તરીકે બતાવતા કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં શેર થતાં આ મામલો અધિકારીઓના ધ્યાન પર આવ્યો હતો. તપાસ દરમિયાન મંદિરમાંથી જીવતા 52 સાપો મળી આવ્યા હતા, જેને વન વિભાગે કબજે લીધા. જોકે રાત્રે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થતા વન વિભાગે મહંતને મુક્ત કર્યો હતો.
શ્રદ્ધા અને માન્યતાઓ વચ્ચે કાયદાની કાર્યવાહી, સ્થાનિકોના આક્રોશ બાદ સ્થિતિ બદલાઈ
ખેતલા આપા હિન્દુ ધર્મમાં નાગકુળના આગેવાન તરીકે માનવામાં આવતા પૌરાણિક દેવતા હોવાથી આ મંદિર પ્રત્યે શ્રદ્ધાળુઓની વિશેષ આસ્થા છે. વર્ષોથી લોકો પોતાની મનોકામના પૂરી કરવા અહીં પ્રાર્થના માટે આવતા રહે છે. મહંતની અટકાયતના સમાચાર આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો અને લોકો મંદિરે ભેગા થઈ વન વિભાગની કાર્યવાહી સામે અવાજ ઉઠાવ્યો. ધર્મભાવનાઓને ધ્યાનમાં રાખીને અધિકારીએ મોડી રાત્રે મહંતને છોડી મુકવા નિર્ણય કર્યો હોવાની માહિતી મળી છે.
વન્યજીવ અધિનિયમનું ઉલ્લંઘનનો આરોપ, સાપ દર્શન કરાવતા હોવાનો આક્ષેપ
વન વિભાગે મહંત મનુ મણીરામ પર આક્ષેપ મૂક્યો છે કે તેઓ ગેરકાયદેસર રીતે મંદિરમાં સાપો રાખી વન્યજીવ સંરક્ષણ અધિનિયમનો ભંગ કરી રહ્યા હતા. મળેલી માહિતી મુજબ મહંત મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને સાપ દેખાડતા હતા અને અનેક વીડિયો સોશિયલ મીડિયામાં મૂકતા હતા. તપાસ દરમિયાન શિડ્યૂલ-1માં આવતાં 52 જેટલા સાપો મળી આવ્યા હતા, જેને સુરક્ષિત રીતે કબજે કરી આગળના કાનૂની પગલાં શરૂ કરવામાં આવ્યા છે.
40 વર્ષ જૂના આસ્થાના કેન્દ્રમાં લોકોનો વિરોધ, મંદિરની પૃષ્ઠભૂમિ અને કથાઓ ફરી ચર્ચામાં
સ્થાનિક લોકોએ જણાવ્યું કે ખેતલા આપાનું આ મંદિર છેલ્લા ચાર દાયકાથી આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે અને અહીં કોઈપણ પ્રકારની રકમ લેવામાં આવતી નથી. લોકો પોતાની જુદી જુડી મનોકામનાઓ પૂર્ણ કરવા અહીં આવતા હોવાની વાત કરી હતી. મંદિરથી જોડાયેલી કેટલીક રસપ્રદ કથાઓ પણ ફરીથી ચર્ચામાં આવી છે, જેમાં કહેવાય છે કે મહંતે વર્ષો અગાઉ ભાડાના મકાનમાં રહેતા રહેતા કુળદેવ ખેતલા આપાના આશીર્વાદથી હાલના સ્થળે મંદિર ઊભું કર્યું. મંદિરમાં ખેતલા બાપાના સેકડો સ્વરૂપ માનવામાં આવે છે અને દર સોમવારે મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપવા આવે છે.

