‘નિક્ષય પોષણ યોજના’ અને જનભાગીદારીથી રાજકોટ જિલ્લામાં ક્ષય નિર્મૂલનને વેગ
ભારત સરકારના ‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ના લક્ષ્યને સાકાર કરવા ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા પ્રશાસન મક્કમતાથી કાર્ય કરી રહ્યું છે. ક્ષય (ટી.બી.) માત્ર શારીરિક બીમારી નથી, પરંતુ તે આર્થિક સ્થિતિ પર પણ અસર કરે છે. આ પડકારને પહોંચી વળવા માટે આધુનિક સારવારની સાથે સાથે દર્દીઓના પોષણ અને આર્થિક સહાય પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
નિક્ષય પોષણ યોજના: સીધી આર્થિક સહાય
કેન્દ્ર સરકારની ‘નિક્ષય પોષણ યોજના’ અંતર્ગત ટી.બી.ના દર્દીઓને સારવાર દરમિયાન પૌષ્ટિક આહાર માટે દર મહિને રૂ. ૧,૦૦૦ની સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૫માં રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ૧,૪૮૭ દર્દીઓના ખાતામાં કુલ રૂ. ૭૬.૧૭ લાખ સીધા જમા કરવામાં આવ્યા છે. આ સહાયથી દર્દીઓ દવાઓની સાથે જરૂરી ખોરાકનો ખર્ચ ઉઠાવી શકે છે.
નિક્ષય મિત્ર સપ્તાહ: માનવતાનો સંગમ
રાજકોટ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ઘનશ્યામભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ‘નિક્ષય મિત્ર સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯ થી ૨૭ જાન્યુઆરી દરમિયાન વિવિધ સેવાભાવી સંસ્થાઓ જેવી કે લાયન્સ ક્લબ, રોટરી ક્લબ અને શક્તિમાન ગ્રુપ દ્વારા ૨૨૨ દર્દીઓને સ્પેશિયલ ન્યુટ્રીશન કિટ આપવામાં આવી હતી. આ કિટમાં મગ, ચણા, સોયાબીન, ખજૂર અને ગોળ જેવા પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ થાય છે જે ટી.બી. સામે લડવામાં અત્યંત જરૂરી છે.
પોષણ કિટમાં સમાવિષ્ટ વસ્તુઓ
-
કઠોળ: મગ, ચણા, સોયાબીન, રાજમા.
-
દાળ: મગ દાળ, ચણા દાળ, તુવેર દાળ.
-
શક્તિવર્ધક ખોરાક: સીંગદાણા, ખજૂર, ગોળ, દાળીયા.
-
અનાજ: ચોખા અને અન્ય ધાન્ય.
જનભાગીદારીથી જંગ જીતાશે
ટી.બી. મુક્ત ભારતનું સપનું માત્ર સરકારી પ્રયાસોથી નહીં, પણ જનભાગીદારીથી શક્ય છે. કોઈપણ નાગરિક www.nikshay.in પર નોંધણી કરાવીને ‘નિક્ષય મિત્ર’ બની શકે છે અને દર્દીઓના પોષણની જવાબદારી સ્વીકારી શકે છે. જ્યારે સમાજ ટી.બી.ને કલંક માનવાનું છોડીને સહયોગ આપશે, ત્યારે જ આ રોગને દેશમાંથી નાબૂદ કરી શકાશે.


