રાજકોટમાં વધતા અકસ્માતો વચ્ચે સરકારની સહાય યોજનાઓ બની આશાનું કિરણ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી માર્ગ અકસ્માતોની શ્રેણીએ નાગરિકોમાં ચિંતા ફેલાવી છે. માત્ર છ દિવસના સમયગાળામાં ચાર યુવાનોના મોત થયા છે, જેમાં હેમુગઢવી હોલ, ડીમાર્ટ મોલ, યુનિવર્સિટી રોડ અને ક્રિસ્ટલ મોલ નજીક ગંભીર અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. આ દુર્ઘટનાઓએ ફરીથી રસ્તા સુરક્ષા અને સાવચેતીના અભાવ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. રાજ્ય સરકારે આવા અકસ્માતોમાં પીડિતોને તાત્કાલિક મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે — જેમ કે Hit and Run Compensation Scheme, Gujarat Road Accident Assistance Scheme અને Cashless Treatment Scheme. આ યોજનાઓનો હેતુ માત્ર આર્થિક સહાય પૂરું પાડવાનો જ નહીં, પણ માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ છે.
હિટ એન્ડ રન સ્કીમ : દોષિત નાસી જાય તો પણ સહાય
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના એક્સપર્ટ મેમ્બર જે.વી. શાહ જણાવે છે કે, જો અકસ્માત બાદ દોષિત વાહનચાલક નાસી જાય અને વાહન મળી ન શકે, તો Hit and Run Compensation Scheme અંતર્ગત સંબંધિત મામલતદાર પાસે અરજી કરી શકાય છે.
મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ₹2 લાખની સહાય
ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને ₹50 હજારની સહાય
આ પ્રક્રિયા હેઠળ અરજી કર્યા બાદ પીડિત પરિવારને સરકાર તરફથી સીધી આર્થિક મદદ આપવામાં આવે છે.

માર્ગ અકસ્માત સહાય યોજના : તાત્કાલિક સારવાર માટે સહાય
Gujarat Road Accident Assistance Scheme અંતર્ગત, જો કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘાયલ થાય અને હોસ્પિટલમાં દાખલ થાય, તો સરકાર તરફથી 48 કલાકની સારવાર માટે ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે. ગયા એક વર્ષમાં રાજ્ય સરકારે આ યોજનામાંથી 1 કરોડથી વધુ રકમ અકસ્માત પીડિતોને ચૂકવી છે, જે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે.
કેશલેસ સારવાર યોજના : પ્રથમ 7 દિવસની સારવાર મફત
આરોગ્ય ક્ષેત્રે સરકારની મહત્વની યોજના છે Cashless Treatment Scheme, જેમાં અકસ્માતગ્રસ્ત વ્યક્તિને રજીસ્ટર્ડ હોસ્પિટલે દાખલ કરવામાં આવે તો પ્રથમ 7 દિવસની સારવાર માટે ₹1.50 લાખ સુધીની રકમ સરકાર ચૂકવે છે. આ યોજનાથી પીડિતને તાત્કાલિક સારવારમાં રાહત મળે છે અને જીવ બચાવવાની શક્યતા વધે છે. આ તમામ યોજનાઓ એ દર્શાવે છે કે અકસ્માત બાદની સહાય જેટલી જ જરૂરી છે, તેટલી જ જરૂરી છે અકસ્માત પહેલાંની સાવચેતી.

છેલ્લા 6 દિવસમાં રાજકોટના 4 ગંભીર અકસ્માતો
6 નવેમ્બર 2025: હેમુગઢવી હોલ પાસે કાર અને બાઈક અથડાતાં 19 વર્ષીય યુવાનનું મોત.
6 નવેમ્બર 2025: ડીમાર્ટ મોલ સામે બે બાઈક વચ્ચે અથડામણ, 15 વર્ષીય યુવાનનું મોત.
7 નવેમ્બર 2025: યુનિવર્સિટી રોડ પર કાર અડફેટે લેતાં માતા-દીકરીમાંથી દીકરીનું મોત.
10 નવેમ્બર 2025: ક્રિસ્ટલ મોલ પાસે કાર-બાઈક અકસ્માતમાં બાઈકચાલકનું મોત.
આ ઘટનાઓને પગલે શહેરમાં રસ્તા સુરક્ષા અંગે કડક પગલાં લેવાની જરૂરિયાત જણાઈ રહી છે.

