રાજકોટમાં પરિવારના અવરોધ છતાં ૧૯ વર્ષીય યુવતીનું શિક્ષણ બચાવ્યું, સખી વન સ્ટોપ સેન્ટર બન્યું મજબૂત સહારો
આજના આધુનિક યુગમાં પણ ક્યારેક પરિવાર જ દીકરીના અભ્યાસમાં અવરોધ બનતો હોય છે. રાજકોટમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી સાથે પણ આવું જ કંઈક બન્યું, જ્યાં તેના માતા-પિતા અને મોટી બહેન તેને Sy.BAનો અભ્યાસ કરતા અટકાવી રહ્યા હતા. મોટી બહેન દ્વારા તેના ચારિત્ર્ય પર શંકા કરી, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ કપરી પરિસ્થિતિમાં રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટર અને એક સેવાભાવી ટ્રસ્ટની સમયસૂચકતાને કારણે યુવતીની શૈક્ષણિક કારકિર્દી સુરક્ષિત બની છે.
પરીક્ષા આપવા માટે પોલીસ અને ટ્રસ્ટની વિશેષ સુરક્ષા
પરિવાર દ્વારા કોલેજની પરીક્ષા ન આપવા માટે દબાણ કરાતા યુવતીએ ડરના માર્યા મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. યુવતીની પરીક્ષા ચાલુ હોવાથી સાઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય રૂપલબહેન શાહના સહયોગથી તેને સુરક્ષિત રીતે પરીક્ષા ખંડ સુધી પહોંચાડવામાં આવતી હતી અને પેપર પૂર્ણ થયા બાદ પરત સેન્ટર પર લાવવામાં આવતી હતી. આ વ્યવસ્થાને કારણે યુવતી નિર્ભય બનીને પોતાની કોલેજની પરીક્ષા આપી શકી છે.
કાઉન્સેલિંગ દ્વારા પરિવાર સાથે સુખદ પુનઃમિલન
સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર યાસ્મીન બહેન અને કલ્પના બહેને યુવતીને માત્ર પરીક્ષા અપાવવા પૂરતી જ મદદ નથી કરી, પરંતુ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત ટેકો આપવાની ખાતરી આપી હતી. સેન્ટર દ્વારા યુવતી અને તેના પરિવારનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, જેના અંતે ગેરસમજ દૂર કરી યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓના અધિકારો અને સુરક્ષા માટે એક મજબૂત આધાર સ્તંભ તરીકે કાર્ય કરી રહ્યું છે.
