ગુજરાતમાં દારૂબંધી માત્ર નામનીજ જોવા મળી રહી છે ત્યારે હવે સરકારી ગાડીઓમાં પણ દારૂની બોટલો મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે.
રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાંથી સાયરન વગાડતા વગાડતા પસાર થઈ રહેલી એડિશનલ કલેક્ટર રૂડા લખેલી સરકારી ગાડીને રોકતા ડ્રાઇવર પીધેલી હાલતમાં જણાયો હતો અને સરકારી ગાડીમાં આગળની સીટ ઉપર દારૂની બોટલ મળી આવી હતી.
સરકારી કામ અર્થે રૂડાના કારોબારી અધિકારી આ ગાડીનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.
સરકારી ગાડી નંબર GJ 03 GA 9999 નો ડ્રાઇવર કલ્પેશ મોરી રવિવારે રજાનો દિવસ હોવા છતાં સરકારી ગાડી લઈને દારૂનો પેગ મારી ફરવા નીકળ્યો હતો અને તે એટલો નશામાં ધૂત હતો કે તેને બોલવાનું કે ચાલવાનું ભાન પણ નહોતું. નશામાં ટુન થઈ ગયેલા ડ્રાઇવરે ગાડીનું સાયરન સતત વગાડવાનું ચાલુ રાખતા સ્થાનિક લોકોને શંકા ગઈ હતી અને લોકો એકત્ર થઈ ગયા હતા અને નશામાં ડ્રાઇવર કોઈ અકસ્માત કરી બેસે તે પહેલાં તેને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.
આમ,સરકારી ગાડીમાં જ દારૂ મળવાની ઘટનાને લઈ લોકોમાં દારૂબંધી મામલે કોમેન્ટ કરતા નજરે પડયા હતા.