સૌરાષ્ટ્રમાં ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ થતાં ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉં, ચણા, ધાણા, લશણ, ડુંગળી, મરચા સહિતના પાકો પાણીમાં તરબોળ થઈ જતા ખેડૂતની આખા વર્ષની મહેનત પર આ માવઠાંએ પાણી ફેરવી દીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની અગાહીને પગલે હજુ દસ દિવસ પહેલાં જ યાર્ડના ડીરેકટર જગદીશ સાટોડીયાએ ગોંડલ માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદમાં ખુલ્લામાં પડેલા ખેડૂતોના તૈયાર પાકને નુકસાન ના થાય તે માટે શેડ બનાવવા સત્તાધીશોને ટકોર કરી હતી પણ કોઈ પગલાં નહિ ભરાતા આખરે દસ દિવસ બાદ જ કમોસમી વરસાદના કારણે યાર્ડમાં ખુલ્લામાં પડેલા ઘઉં, ચણા, ધાણા, લસણ, ડુંગળી, મરચા સહિતના પાકો પલળી જતા મોટા પાયે નુકશાન થયું છે.
ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ફરી પડ્યો છે.
ગોંડલ શહેર અનેતાલુકામાં ભારે પવન સાથે ધોધમાર કમૌસમી વરસાદ શરૂ થયો હતો. તાલુકાના દેવચડી, બાંદરા, કંટોલીયા, શીવરાજગઢ, આબેરડી, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. તાલુકાના કોલીથડ પંથકમાં અડધો ઈંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં વીજ ગુલ થઈ હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનને પગલે તા 5, 6 અને 7 એપ્રિલના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.