રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી એ જુગારના અડ્ડા ઉપર રેડ કર્યા બાદ તેઓને એક રાજકીય નેતા ધમકી આપી રહ્યા હોવા અંગેની પોસ્ટ મૂક્યા બાદ તેઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
પોસ્ટ મૂકનાર એએસઆઇને મંગળવારે સાંજે સસ્પેન્ડ કરી દેવાતા પોલીસબેડામાં ભારે ચર્ચાઓ ઉઠી છે અને પોલીસને ધમકી ક્યા રાજકીય નેતાએ આપી તે અંગે અનેક અટકળો વહેતી થઈ હતી જોકે તે કોણ છે તે અંગે હજુ સુધી કોઈ વિગત બહાર નથી આવી પણ તે પહેલા પોતાની આપવીતી વ્યક્ત કરનાર જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાએ તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં ચાર દિવસ પૂર્વે એક પોસ્ટ મૂકી હતી.
પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આજ એક નેતાને તેની અસલિયત બતાવી તો મને બદલીની ધમકી આપી કે, એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મળે, એ મને ચાર વર્ષથી હેરાન કરે છે, વગર વાંકે મારી બદલીઓ કરાવે છે, જ્યારે એનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે, છતાં મને ધમકીઓ આપે છે, પણ મારી તૈયારી છે, ઝૂકેગા નહીં સાલા, મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને ત્યાં જુગારની રેડ કરી હતી, લુખ્ખો સાલો, મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, હું લડીશ ઝૂકીશ નહી, હું ઝૂકીશ નહીં’. જમાદારે પોસ્ટ મુક્યાની ગણતરીની મિનિટોમાં જ ડિલીટ કરી નાખી હતી.
છતાંપણ આ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડા માં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.