રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય રસ્તાઓ જેવાકે કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનામૌવા રોડ અને 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે.
ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે રાજકોટ જિલ્લાના ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા પાણીની આવક થઇ છે
ન્યારી ડેમ-2નો 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે અને હેઠવાસનાં ગામોને એલર્ટ કરાયા છે.
છાપરવાડી-2 ડેમમાં 2.62 ફૂટ, વાછપરી ડેમમાં 2 ફૂટ, વેરી ડેમમાં 1.67 ફૂટ, મોતીસર ડેમમાં 0.98 ફૂટ, આજી-2 ડેમમાં 0.82 ફૂટ, ભાદર ડેમમાં 0.56 ફૂટ, ભાદર-2 અને માલગઢ ડેમમાં 0.49 ફૂટ, ન્યારી-1, ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટ સહિતના ડેમોમાં નવા નીરની આવક થઇ છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ ન્યારી-2 ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે ઓવરફ્વો થવાની તૈયારીમાં હોવાથી એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.