રાજ્યમાં કોરોના બાદ બાળકો અને યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી ગયા છે અને અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે રીબડામાં અભ્યાસ કરતા ધો.10 ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા કરૂણ મોત થયાનો કરૂણ બનાવ બન્યો છે.
રાજકોટ-ગોંડલ હાઇવે પર રીબડા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણીનું હાર્ટ એટેક આવતા કરૂણ મોત થતાં મૃતકના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.
ધોરણ 10માં અભ્યાસ કરતા દેવાંશ વીંટુભાઈ ભાયાણી નામનો વિદ્યાર્થી આજે સવારના 8.30 વાગ્યા આસપાસ તેમના સાથી વિદ્યાર્થી મિત્રો સાથે મળી ગુરુપૂર્ણિમા કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો અને મિત્રો સાથે સ્ટેજ પર પોડિયમ લગાવી રહ્યો હતો તે વખતે અચાનક દેવાંશને છાતીમાં દુખાવો ઉપડતા તે બેભાન થઇ ઢળી પડ્યો હતો જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ તે પહેલા જ તેનું કરૂણ મોત થઈ જતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
દેવાંશના પિતા વીંટુભાઈ ભાયાણી ધોરાજીમાં ભૂમિ પોલિમર પ્લાસ્ટિક નામનું પાઇપ બનાવવાનું કારખાનું ધરાવે છે અને દેવાંશ તેમનો એકનો એક પુત્ર હતો જેનું હાર્ટ એટેક આવતા અચાનક મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે અને ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.