રાજ્યભરમા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ 43 હજારથી વધુ પરીક્ષાર્થીઓ 150 કેન્દ્ર પરથી પરીક્ષા આપનાર છે ત્યારે ફૂલ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
રાજકોટની સરોજિની નાયડુ સ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમમાં પેપરને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે જે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રો પર સિક્યોરિટી જવાનો સહિત તમામ સ્ટાફના મોબાઈલ જમા લેવામાં આવ્યા છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ આ વખતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આજે પરીક્ષા દરમિયાન પેપર લિકની ઘટના ન બને તે માટે ખાસ ફ્લાઈંગ સ્ક્વોડ તૈયાર કરવામાં આવી છે.
ગઈકાલે આવેલ પ્રશ્નપત્રોને સરોજિની નાયડુ સ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા હતા.
આજે પરીક્ષા પૂર્વે એસ્કોર્ટ સાથે તમામ 150 કેન્દ્રો ઉપર 60 જેટલા રૂટ તૈયાર કરી પ્રશ્નપત્ર પહોંચાડવા કામગીરી 9.30 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે પરીક્ષા દરમિયાન બોડી વોર્ન કેમેરાથી પણ રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યુ છે.
વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા દૂર દૂરથી આવ્યા છે.
નોંધનીય છે કે આજે બપોરે 12.30 કલાકથી લઈને 01.30 કલાક સુધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે