ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ફરી શરુ થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં મોજ ડેમ ફરી ઓવરફ્લો થતાં નીચાણ વાળા વિસ્તારમાં લોકોને સાવચેત કરાયા છે.
રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ પડતા મોજ ડેમમાં નવા નીરની આવક થતાં સતત ત્રીજી વખત ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.
ડેમ ઓવરફ્લો થઇ જતા તેના 2 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમનું પાણી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ડેમના આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યુ છે.
દરમિયાન રાજ્યમાં પડેલા વરસાદના આંકડા અંગે વાત કરીએ તો સિઝનનો સરેરાશ 36.02 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં સૌથી વધારે કચ્છમાં સરેરાશ 94.9 ટકા વરસાદ જ્યાટરે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 52.39 ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 34.41 ટકા વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં 27.78 ટકા સિઝનનો સરેરાશ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં સિઝનનો 24.59 ટકા સરેરાશ વરસાદ નોંધાયો હતો.