રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના અહેવાલો વચ્ચે રાજકોટમાં ધોધમાર વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી જ્યારે ગોંડલમાં પણ દેમાર વરસાદ પડતાં જનજીવન ખોરવાઇ ગયું હતું.
ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં પાણી ભરાતા મારવાડી યુનિવર્સિટીની બસ પાણીમાં ફસાઈ હતી, ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા વાહન-વ્યહાર બંધ હોવા છતાં પણ બસ ડ્રાઇવરે વિદ્યાર્થીઓથી ભરેલી બસને જોખમી રીતે કાઢવાનો પ્રયાસ કરતા બસ ફસાઈ ગઈ હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. જો કે, ઉપસ્થિત લોકો અને ગોંડલની સેનિટેશન ટીમ દ્વારા બસને માંડ કરીને બહાર કાઢવામાં આવી હતી.
ગોંડલની ભવનાથ, રાધાકૃષ્ણ, કૈલાશબાગ અનેનાની બજાર સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા ભારે વરસાદને પગલે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયા હતા. અને ભારે વરસાદને કારણે ગોંડલના કોલીથડમાં નદી બે કાંઠે થઈ હતી. ગામની મધ્યમાંથી પસાર થતી નદીમાં ધોધમાર વરસાદને પગલે પૂર આવતા ચારેતરફ પાણી જ પાણી થઈ ગયું હતું.
રાજકોટ નજીક લોધિકા પંથકમાં પણ ધોધમાર 5 ઇંચ વરસાદ પડતાં ફોફળ નદીમાં ઘોડાપૂર આવી ગયા હતા અને આ વખતે વીજ પોલનું કામ કરી ઘરે પરત ફરી રહેલા મજૂરોની ગાડી નદીના કોઝવેમાં ફસાતા અંદર બેઠેલા સાત મજૂરના જીવ જોખમમાં મુકાયા હતા અને કાર પણ ઘોડાપૂરમાં તણાવા લાગી હતી.
સમયે કારમાં અંદર બેઠેલા મજૂરો મહા મહેનતે ગાડીની છત પર જીવ બચાવવા ચડી ગયા હતા. જોકે આ ઘટનાની જાણ ગામના લોકોને થતા તેઓએ કારમાં સવાર સાત લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ગામના તરવૈયાઓએ પોતાનો જીવને જોખમમાં મુકીને નદીમાં કૂદી પડ્યા હતા. અને સાતેય લોકોને દોરડા વડે ખેંચીને નદીના પૂરમાંથી સ્લામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
અહીં ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ.