રાજકોટના પડવલામાં ઝડપાયેલી નશામાં વપરાતી ગેરકાયદે સીરપ બનાવવાની ફેક્ટરી પ્રકરણમાં રાજકોટ શહેર યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને તેના ભાઇના નામ ખૂલતાં રાજકારણ ગરમાયુ છે.
રાજકીય આગેવાન સહિતના શખ્સો બે વર્ષથી ડુપ્લિકેટ આયુર્વેદિક સીરપના નામે ગેરકાયદે નશાની સીરપ વેચવાનો ધંધો કરતા હતા.
નશાખોરો આયુર્વેદિક સીરપના નામે થતાં સીરપનો નશા માટે ઉપયોગ કરી રહ્યા હતા.
આ સીરપમાં તે પ્રોડક્ટ આયુર્વેદિક પ્રોડક્ટ છે તેવું બતાવવા માટે આયુર્વેદિક પ્રોડક્ટ હોવાના અને રાજ માર્કેટિંગના સ્ટિકરો છપાવીને લગાવવામાં આવતા હતા.
રૂપેશ ડોડિયા રાજકોટ શહેર યુવા ભાજપનો ઉપપ્રમુખ રહી ચૂક્યો છે અને આ કાંડમાં મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે.
શાપર પોલીસે આ મામલે રાજકોટ ગોકુલધામ પાણીના ટાંકાવાળી શેરીમાં રહેતા રૂપેશ નટુ ડોડિયા, ધર્મેશ નટુ ડોડિયા, ગાંધીગ્રામના મનીષ ગિરીશ પાંઉ, બજરંગવાડીના સલીમ બચુ કાણિયા, કલ્યાણપુરના મહેશ સોમા રોશિયા અને ગોંડલના અશરફ મીરના નામ ખૂલતા તેની સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસે અશરફ મીરને ઝડપી લઇ અન્યોની શોધખોળ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના શાપર પોલીસે ગત તા.18.06.2023ના રોજ પડવલા ગામની સીમના રેવન્યુ સર્વે નં- 93 પ્લોટ નં-23માં આવેલ ગોડાઉનમાં રેડ કરી ડુપ્લિકેટ આયુર્વેદિક સીરપની બોટલો તથા ડુપ્લિકેટ આયુર્વેદિક સીરપ બનાવવાના સાધનો સહિત કુલ 6.43 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે જામનગરની માર્કેટિંગ કંપનીના માલિકની ફરિયાદ પરથી કુલ 6 શખ્સો સામે આઇપીસી કલમ 406, 420, 465, 468, 471, 120(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.