રાજકોટ: ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે ફરીથી રાજકોટમાં રેમડેસિવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. રાજકોટમાં ઈન્જેક્શન લેવા માટે લોકો ફરીથી લાઈનમાં લાગ્યા છે. આ ઉપરાંત અનેક હૉસ્પોટલોમાં ઑક્સીજનનો જથ્થો ખૂટી જવા આવ્યો છે. આ માટે ખાનગી હૉસ્પિટલો તરફથી કલેક્ટરને પત્રો લખીને રજુઆત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટે કલેકટર તંત્ર દ્વારા એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારસુધી ઇન્જેક્શન અલગ અલગ મેડિકલ સ્ટોરમાં મળતા હતા પરંતુ હવે ચૌધરી હાઇસ્કૂલની બાજુમાં આવેલી કુંડલીયા કૉલેજમાં રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટેનું એક ખાસ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ઇન્જેક્શન માટે અલગ-અલગ ત્રણથી ચાર જેટલા હેલ્પલાઇન નંબર પણ બનાવવામાં આવ્યા છે. જોકે, કોઈ પણ દર્દી જે તે હૉસ્પિટલમાં એડમિટ હોય તેના ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન, દર્દીનો રિપોર્ટ સહીતના જરૂરી કાગળ કલેકટર તંત્ર દ્વારા જાહેર કરેલા WhatsApp નંબર પર મોકલવાના રહેશે અને સ્ક્રૂટીની થયા બાદ દર્દીના સગાને ઇન્જેક્શન આપવામાં આવે છે.
ગઈકાલ રાતથી ઇન્જેક્શન વિતરણ સેન્ટરના અલગ દૃશ્યો સામે આવ્યા છે. અહીં રેમડેસિવીર ઇન્જેક્શન ખૂટી પડ્યા છે. દર્દીના સગા રાત્રે ચાર વાગ્યાથી ઇન્જેક્શન મેળવવા માટે લાઇનમાં ઊભા છે. ફરજ પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ જણાવે છે કે તેમની પાસે ટોકન તો આવી ચૂક્યા છે પરંતુ ઇન્જેક્શન હજી સુધી મળ્યા નથી.
અત્યારે મજબૂરી એવી પણ છે કે ઘણા બધા દર્દીઓ ખુદ આ લાઇનમાં ઇન્જેક્શન મેળવવા આવી રહ્યા છે, કેમ કે તેમની આસપાસ કોઈ સગા સંબંધીઓ નહીં હોવાથી અને પોતાને પણ ઇન્જેક્શનની જરૂર હોવાથી તેઓએ લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ બદાની વચ્ચે માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવે.
ઇન્જેક્શનની અછત વચ્ચે હવે ખાનગી હૉસ્પિટલમાં ઓક્સિજનની ઘટ વર્તાઇ રહી છે. કોરોનાની સારવાર કરતી હૉસ્પિટલોમાં હવે ઓક્સિજનનો મર્યાદિત જથ્થો જ બાકી રહ્યો છે. આ માટે હૉસ્પિટલોએ જિલ્લા કલેકટરને પત્ર લખી તાત્કાલિક ઓક્સિજન પૂરો પાડવા રજૂઆત કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં ઑક્સીજન પૂરતા પ્રમાણમાં નહીં મળે તો કદાચ દર્દીઓની સારવાર કરવામાં તકલીફ પડી શકે છે.