વન પ્લાનેટ સિટી ચેલેન્જ ઓપન પ્રતિસ્પર્ધામાં અત્યાર સુધીમાં કુલ 400થી વધુ શહેરોએ વોલેન્ટરીલી કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવાની સ્થિતિ સ્થાપકતામાં વધારો કરવા માટેના ધ્યેય સાથે ભાગ લીધો છે. જેમાં ભારતમાંથી 8 શહેર રાજકોટ, નાગપુર, કોચી, પણજી, પુણે, ગુવાહાટી, ગંગટોક અને ઇન્દોરએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટ શહેરે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર( WWF)ના વન પ્લાનેટ સિટી ચેલેન્જ અંતર્ગત ગ્લોબલ કક્ષાએ ફરી એક વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2019-20 નો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ અગાઉ પણ રાજકોટ શહેર વર્ષ 2016 અને 2018માં નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મેળવી ચૂક્યો છે.
રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ઇન્ટરનેશનલ કમિટી અને સેક્ટર નિષ્ણાંતો દ્વારા દરેક શહેરના ડેટાની સમીક્ષા કરવામાં આવી હતી. દરેક દેશમાંથી એક નેશનલ કેપિટલ તથા દરેક નેશનલ કેપિટલમાંથી એક ગ્લોબલ કેપિટલ સિલેક્ટ કરવામાં આવે છે. ગ્લોબલ જુરી દ્વારા માર્ચ મહિનામાં ભારતના ત્રણ શહેરો કોચી, નાગપુર અને રાજકોટની નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાના ફાઇનાલિસ્ટ તરીકે સિલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી રાજકોટ શહેર ફરી વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2019 બન્યું છે. રાજકોટ શહેરની સતત ત્રીજી વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પસંદગી થઇ છે જે રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે.
ઈન્ટરનેશનલ કમિટીએ રાજકોટ શહેરને તેમના કાર્યો માટે પ્રશંસા આપતા જણાવ્યું હતું કે, શહેરે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટસ જેવા કે એનર્જી કાર્યક્ષમતા વધારવી, પાણીની તંગીના જોખમોને ઓછું કરવું, ડ્રેનેજના ગંદા પાણીનું શુદ્ધિકરણ તથા પાણીનો ફરીથી ઉપયોગ અને પાણીના ભરાવવાને ઓછું કરવા પ્રાકૃતિક ડ્રેનેજ સોલ્યુશન્સને પુનઃસ્થાપિત કરવા માટેના પ્રોજેક્ટ અમલમાં મુકીને મહત્વની કાર્યવાહી કરી રહ્યું છે. રાજકોટ શહેરની રાજકીય પ્રતિબદ્ધતાની પણ ખાસ નોંધ લેવામાં આવી હતી.