રાજકોટઃ તાજેતરમાં રાજકોટની છ મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન જ કોંગ્રેસના મહિલા કાર્યકર્તા ચાંદની લીંબાસિયાના ઘરમાંથી આલિશાન બાર અને વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો ઝડપાઈ હતી. જોકે, આ પતિ પત્નીને દારૂ સપ્લાય કરનાર વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની મતદાન પ્રક્રિયાની આગલી રાત્રે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાના ઘર માંથી આલિશાન બાર ઝડપી પાડવામાં આવ્યું હતું. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારુ સપ્લાયર આરોપી બીપીનભાઈ દવેની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે આરોપી બીપીનભાઈ વિરૂદ્ધ પ્રોહિબિશનનોની કલમ અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આરોપી બીપીનભાઈ દવે છેલ્લા 12 વર્ષથી આરોગ્ય બાબતે દારૂની પરમીટ ધરાવે છે. ત્યારે ભૂતકાળમાં પણ પોતાની આરોગ્ય બાબત ની પરમીટ માંથી કોને કોને દારુ તેમજ બિયર નો જથ્થો પૂરો પાડેલ છે તે સહિતની તમામ વિગતો મેળવવામાં આવી રહી છે.
ત્યારે આ તમામ બાબતો અંગે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. તેમજ ચાંદની તેમજ પિયુષ ની જેમ જે કોઈએ પણ બીપીન દવે પાસેથી દારૂ તેમજ બીયર નો જથ્થો મેળવ્યો હશે તે તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચાંદની બેન નામની મહિલા ફાયરિંગ કરતી હોય તે પ્રકાર નો વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થયો હતો. જે બાબતની ખરાઇ કરવા માટે રાજકોટ શહેરના નારાયણનગર પેડક રોડ ખાતે આવેલ મહિલાના મકાનમાંથી ભારતીય બનાવટનો તથા વિદેશી બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન તથા બોટલો મળી આવતા જે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પતિ પત્ની વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો. કલમ 336,114 તથા આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, ચાંદની બેન લિંબાસિયા તેમજ તેમના પતિ પિયુષભાઈ લિંબાસિયા વિરુદ્ધ બે જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદની બેન તેમજ તેના પતિ છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસ પક્ષ માટે કામ કરી રહ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો સાથે જ હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ માટે ચાંદની બેને સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું પણ સામે આવ્યું છે.