રાજકોટ જિલ્લાની તમામ શાળાઓમાં હવેથી ઓનલાઈન હાજરી પુરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરવામાં આવશે.
આ નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડશે. જેમાં રાજકોટ જિલ્લાની 280 શાળાઓમાં આ નિયમ લાગુ પડશે. તો આગામી સત્રથી આ નિયમ અમલી કરવામાં આવશે.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે. કેટલીક જગ્યાઓ પર સરકારી શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવામાં આળસ કરતા હોવાની ફરિયાદો સામાન્ય બની છે.
જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સરકારી શાળાઓ પરથી ભરોસો ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે. તેથી રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ નિયમીત હાજરી આપતા નથી તો શિક્ષકો પણ નોકરી બચાવવા હાજરી પુરી લેતા હોય છે.
તેથી રાજકોટ જિલ્લાની તમામ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઓનલાઇન હાજરી પૂરવાની રહેશે. ત્યારે આ નિયમ શાળાઓમાં લાગુ કરવામાં આવશે પરંતુ તેનું પાલન થાય કે નહીં તે જોવું રહ્યું.