રાજકોટ: રાજકોટમાં કોરોના વાયરસના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બે પોઝિટિવ કેસ નોંધાયા જેમાં રાજકોટ શહેરની યુવતી અને ગ્રામયના વૃધ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 25 મે, સોમવારે રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક કેસ રાજકોટ ગ્રામ્ય વિસ્તારનો છે અને એક કેસ રાજકોટ શહેર વિસ્તારમાં સામે આવ્યો છે. રાજકોટમાં શહેરના 80 અને ગ્રામ્યના 17 મળીને કુલ પોઝિટિવ કેસનો આંકડો 97 પર પહોંચ્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
મળતી માહિતી મુજબ જંગવડ ગામે એક વૃદ્ધાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરમાં 27 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટના નાયબ કલેકટરની પુત્રીનો રિપોર્ટ અમદાવાદથી રાજકોટ પરત આવ્યાં બાદ પોઝિટિવ આવ્યો છે. જંગવડ ગામના વૃદ્ધા પણ અમદાવાદથી પરત આવ્યાં બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે આ બંને કોરોના પોઝિટિવ દર્દીની કોન્ટેક્ટ હિસ્ટ્રી ચકાસી આગળની કામગીરી હાથ ધરી છે.