રાજનાથ સિંહ ઑસ્ટ્રેલિયાના KC-30A ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં, વિમાને હવામાં કર્યું આ પરાક્રમ
રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે KC-30A વિમાનમાં મુસાફરી કરી અને હવામાં ઈંધણ ભરવાની પ્રક્રિયા વિશે સમજણ મેળવી. ઑસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લેસ દ્વારા રાજનાથ સિંહને પરંપરાગત ‘વેલકમ ટુ કન્ટ્રી’ સમારોહ સાથે સન્માનિત કરવામાં આવ્યા.
ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ગુરુવારે રક્ષા મંત્રી ઑસ્ટ્રેલિયન એરફોર્સના વિમાન દ્વારા કેનબેરા પહોંચ્યા. આ દરમિયાન એરપોર્ટ પર ઑસ્ટ્રેલિયાના ડિફેન્સ મિનિસ્ટર પીટર ખલીલ અને સંયુક્ત અભિયાન પ્રમુખ વાઇસ એડમિરલ જસ્ટિન જોન્સ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહે ઑસ્ટ્રેલિયાના KC-30A વિમાનમાં સફર કરી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ રોયલ ઑસ્ટ્રેલિયન એરફોર્સના KC-30A વિમાનમાં સવાર થયા હતા. સિડનીથી કેનબેરાની મુસાફરી દરમિયાન, તેમણે F-35માં હવા-થી-હવા ઈંધણ ભરવાની પ્રક્રિયા વિશે પણ માહિતી મેળવી. વિમાનમાં હાજર અધિકારીઓએ રાજનાથ સિંહને ઈંધણ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી.
ભારત અને ઑસ્ટ્રેલિયાએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ રોયલ ઑસ્ટ્રેલિયન એર ફોર્સ (RAAF) અને ભારતીય સશસ્ત્ર દળોને 2024માં હવા-થી-હવા ઈંધણ ભરવાની મંજૂરી આપવામાં આવશે.
સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, “કેનબેરાના રોયલ ઑસ્ટ્રેલિયન એર ફોર્સ બેઝ પર પહોંચતા, ઑસ્ટ્રેલિયાના સહાયક રક્ષા મંત્રી પીટર ખલીલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. હું મારા મિત્ર, ઑસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લેસ સાથે ટૂંક સમયમાં દ્વિપક્ષીય બેઠકની રાહ જોઈ રહ્યો છું.”
રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન 3 નવા સંરક્ષણ કરારો થવાના છે. તેમાં ઇન્ફોર્મેશન શેરિંગ એગ્રીમેન્ટ, મેરીટાઇમ સિક્યોરિટી એગ્રીમેન્ટ અને જોઇન્ટ મિલિટરી એક્ટિવિટીઝ એગ્રીમેન્ટનો સમાવેશ થાય છે.
Raksha Mantri Shri @rajnathsingh onboard KC-30A Australian Royal Australian Airforce multirole tanker transport aircraft. He witnessed the air-to-air refuelling of F-35 while travelling from Sydney to Canberra.
India and Australia had signed an agreement allowing the Royal… pic.twitter.com/QoCFjLFW7J
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) October 9, 2025
‘વેલકમ ટુ કન્ટ્રી’ સમારોહમાં રક્ષા મંત્રીનું સન્માન
કેનબેરા એરપોર્ટ બાદ સંસદ ભવનમાં ઑસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લેસ દ્વારા રાજનાથ સિંહને પરંપરાગત ‘વેલકમ ટુ કન્ટ્રી’ સમારોહ સાથે સન્માનિત કરવામાં આવ્યા. આ એક પ્રકારની ખાસ ઑસ્ટ્રેલિયન વિધિ છે. આના દ્વારા જમીનના પરંપરાગત રખેવાળોને સન્માન આપવામાં આવે છે અને મિત્રતાની સાથે સુલેહનો સંદેશ આપવામાં આવે છે. સંસદ ભવનમાં ઑસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લેસ દ્વારા રાજનાથ સિંહનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન બંને પક્ષના વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓ હાજર રહ્યા.