સુરત: કુખ્યાત સદ્દામ-શાહિદ ગોદિલ ગેંગને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા, મોટા ખુલાસા થવાની શક્યતા
સુરતનાં રાંદેર રોડની કુખ્યાત ખંડણીખોર ગેંગ ઈમ્તિયાઝ સદ્દામ અને શાહીદ ગોડીલની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવ્યા બાદ પોલીસે બન્નેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસનાં રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો હતો. પોલીસે 20 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી.
સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે સુરતનાં રાંદેર રોડ પર આવેલા એક્સકલૂઝીવ હાઈટ્સ, ફ્લેટ નંબર-801માં રહેતા ઈમ્તિયાઝ સદ્દામ બચાવ અને ન્યૂ રાંદેર રોડનાં ટ્વિન હાઈટ્સ બિલ્ડીંગનાં ફ્લેટ નંબર ફલેટ નં. એ/401માં રહેતા શાહીદ ગોડીલ ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં બન્નેનાં રિમાન્ડ માંગવામા આવ્યા હતા. બન્નેની મિલ્કોત સંબંધિ તપાસ બાકી છે તથા તેમણે ક્યાં-ક્યાં મિલ્કતો વસાવી છે અને ક્યાં-ક્યાં નાણા રોક્યા છે તે અંગે તપાસ બાકી છે. આ ઉપરાંત આ બન્નેની અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે, અન્ય કેટલા સાગરિતો છે તેની તપાસ કરવાની બાકી હોવાની દલીલ સાથે 20 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટે 6 દિવસનાં રિમાન્ડ આપી રિમાન્ડ અરજી અંશત: મંજુર રાખી છે.
ઈમ્તિયાઝ સદ્દામ અને શાહીદ ગોડીલની વિરદ્વ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-309(6), 351(3), 352, 61(2), 3(5) તથા જી.પી.એક્ટની કલમ-135 તથા ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ-2015ની કલમ 3(1)ની પેટા કલમ (2) તથા 3(2), ૩(4) મુજબનો ગુનો ચોકબજાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. બન્નેનાં 30મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈમ્તિયાઝ સદ્દામ શાહીદ ગોડીલ સામે ચોકબજાર, અઠવા, લાલગેટ, મહિધરપુરા અને અમરોલી પોલીસ સ્ટેશનમા ગુના દાખલ કરવામા આવેલા છે. આ સિવાય બન્નેની સંડોવણી યુએસડીટીમાં પણ હોવાની વાત બહાર આવી રહી છે. સાથો સાથે આ બન્ને કુખ્યતા તત્વોના વ્યાજખોરીનો પણ વેપલો હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમા કેટલાક મોટા માથાઓના નામ પણ બહાર આવવાની શક્યતા જોવા મળી રહી છે.