બેંકિંગ રેગ્યુલેશનમાં મોટી બેદરકારી પકડાઈઃ નિયમોનું ઉલ્લંઘન કરનારી ફાઇનાન્સ કંપનીઓ સામે કેન્દ્રીય બેંક લાલઘૂમ
ભારતીય બેંકિંગ ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) પર અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી હાથ ધરી છે. નાણાકીય નિયમોના ઉલ્લંઘન અને આંતરિક સિસ્ટમમાં ગંભીર બેદરકારી બદલ કેન્દ્રીય બેંકે મુથૂટ ફાઇનાન્સ સહિત ૬ મોટી ફાઇનાન્સ કંપનીઓ પર લાખો રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની નાણાકીય સિસ્ટમને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે સતત કડક પગલાં ભરી રહી છે. કેન્દ્રીય બેંકના નિયમોનું પાલન કરવું દેશની દરેક બેંક અને ફાઇનાન્સ કંપની માટે કાયદાકીય રીતે ફરજિયાત છે. જો કોઈ પણ નાણાકીય સંસ્થા આ નિયમોનું ઉલ્લંઘન કરે, ગ્રાહકોના હિતોને જોખમમાં મૂકે અથવા નાણાકીય ગેરરીતિ આચરે તો આરબીઆઈ તેને ભારે દંડ ફટકારી શકે છે અને ગંભીર સંજોગોમાં તેનું લાયસન્સ પણ રદ કરવાની સત્તા ધરાવે છે. આ અંતર્ગત, આરબીઆઈએ નિયમોની અવગણના કરનારી અને આંતરિક ઓડિટ સિસ્ટમમાં બેદરકારી દાખવનારી છ મોટી ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) પર કડક સપાટો બોલાવ્યો છે અને સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને દંડાત્મક કાર્યવાહીની જાહેરાત કરી છે.
આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, અલગ-અલગ રેગ્યુલેટરી માપદંડોનું પાલન ન કરવા બદલ જે છ મોટી કંપનીઓ પર પેનલ્ટી લગાવવામાં આવી છે, તેમાં દેશની સૌથી લોકપ્રિય ગોલ્ડ લોન આપતી નોન-બેંક લેન્ડર મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ પણ સામેલ છે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી માત્ર નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ કંપનીઓ દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ વ્યવહારની માન્યતા પર નિર્ણય આપવાનો નથી.

કઈ કંપની પર કેટલા લાખનો દંડ લાદવામાં આવ્યો?
આરબીઆઈની આ કડક કાર્યવાહીમાં સૌથી વધુ દંડ અવેલ ફાઇનાન્સિયલ સર્વિસીસ પર લગાવવામાં આવ્યો છે, જેની રકમ આશરે ૬.૨૦ લાખ રૂપિયા છે. ત્યારબાદ દેશની અગ્રણી ફાઇનાન્સ કંપની મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ પર ૫.૮૦ લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ યાદીમાં આગળ વધતા, સત્ય માઇક્રોકેપિટલ લિમિટેડ પર ૩.૧૦ લાખ રૂપિયા અને પૅન એમામી કોસ્મેડ લિમિટેડ પર પણ ૩.૧૦ લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. આ સિવાય, ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ધરાવતી ધની લોન્સ એન્ડ સર્વિસીસ લિમિટેડ પર ૨.૭૦ લાખ રૂપિયા તેમજ મુથૂટ ગ્રુપની જ અન્ય એક કંપની મુથૂટ વ્હીકલ એન્ડ એસેટ ફાઇનાન્સ લિમિટેડ પર ૨.૭૦ લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આમ, કેન્દ્રીય બેંકે તમામ છ કંપનીઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલવાનો આદેશ આપ્યો છે.
દંડ લગાવવા પાછળના મુખ્ય ટેકનિકલ કારણો
રિઝર્વ બેંકે આ કંપનીઓ પર દંડ લગાવવા પાછળના ચોક્કસ કારણોની પણ વિગતવાર માહિતી આપી છે. મુથૂટ ફાઇનાન્સ લિમિટેડ સામે લેવાયેલા પગલાં અંગે આરબીઆઈએ જણાવ્યું કે, આ નાણાકીય સંસ્થા પોતાના ગ્રાહકોના ખાતાઓનું જોખમ વર્ગીકરણ (Risk Categorization) કરવાની અને તેની સમયાંતરે સમીક્ષા કરવાની મજબૂત આંતરિક વ્યવસ્થા લાગુ કરવામાં નિષ્ફળ રહી હતી. આ ઉપરાંત, મની લોન્ડરિંગ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની સમયસર અને અસરકારક ઓળખ કરવા માટે તેમજ તેનું સચોટ રિપોર્ટિંગ કરવા માટે જે ઉચ્ચ કક્ષાના સોફ્ટવેરનો ઉપયોગ થવો જોઈએ, તે કરવામાં કંપની નિષ્ફળ નીવડી હતી.

બીજી તરફ, અવેલ ફાઇનાન્સિયલ સર્વિસીસ પર કાર્યવાહીનું કારણ એ હતું કે તેના મેનેજિંગ ડિરેક્ટર નિયમોની વિરુદ્ધ જઈને અન્ય બે એનબીએફસી (NBFCs) ના મિડલ લેયરમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધરાવતા હતા. આ સાથે જ કંપનીએ રેગ્યુલેટરી સિંગલ પાર્ટી એક્સપોઝર લિમિટ (કોઈ એક પક્ષને ધિરાણ આપવાની મર્યાદા) નું પણ ઉલ્લંઘન કર્યું હતું. પૅન એમામી કોસ્મેડ લિમિટેડે પણ પક્ષકારોના એક જ ચોક્કસ જૂથને ક્રેડિટ એક્સપોઝર આપવા માટે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવેલી રેગ્યુલેટરી મર્યાદાનો ભંગ કર્યો હોવાનું ઓડિટમાં બહાર આવ્યું હતું.
માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે કાર્યરત સત્ય માઇક્રોકેપિટલ લિમિટેડ પર દંડ થવાનું મુખ્ય કારણ લોન રિસ્ટ્રક્ચરિંગ (પુનર્ગઠન) ની પ્રક્રિયા બાદ ઊભી થયેલી ક્ષતિ હતી. કંપની નિયમ મુજબ કેટલાક લોન ખાતાઓને ‘નોન-પર્ફોર્મિંગ એસેટ્સ’ (NPA) એટલે કે ફસાયેલી લોન તરીકે વર્ગીકૃત કરવામાં નિષ્ફળ રહી હતી, જે બેંકિંગ સિસ્ટમની પારદર્શિતા માટે મોટો ખતરો માનવામાં આવે છે. આરબીઆઈની આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે દેશની નાણાકીય વ્યવસ્થામાં કોઈપણ સ્તરે નિયમોની અવગણના ચલાવી લેવામાં આવશે નહીં, અને આગામી દિવસોમાં પણ આવી કંપનીઓ પર કડક દેખરેખ ચાલુ રહેશે.