IMDએ 20 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપી
મુંબઈમાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત વરસતા ભારે વરસાદે શહેરના સામાન્ય જીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા શહેર માટે રેડ એલર્ટ જારી કરાયું છે. ખાસ કરીને બોરીવલી, પવઈ, ચેમ્બુર, સાંતાક્રુઝ, થાણે અને નવી મુંબઈ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ, પાણી ભરાવા અને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે.
16 ઓગસ્ટના રોજ ઉપનગરોમાં 244.7 મીમી વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા 13 વર્ષમાં ઓગસ્ટના મહિનાનો ત્રીજો સૌથી વધુ વરસાદ હતો. ભયંકર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તેમજ વાહનવ્યવહાર અને લોકલ ટ્રેન સેવા પર પણ ગંભીર અસર પડી છે.
વિક્રોલી વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનની ઘટનાએ શહેરને હચમચાવી દીધું છે, જ્યાં બે લોકોના મોત થયા અને બે ઘાયલ થયા છે. પશ્ચિમ અને મધ્ય રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. મુસાફરોને કલાકો સુધી ફસાવાની ફરજ પડી હતી.
IMDએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે. 20 ઓગસ્ટ સુધી ભારે અને 23 ઓગસ્ટ સુધી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ 50થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેથી દરિયાકાંઠે રહેવાવાળાઓ માટે જોખમ વધુ છે.
સોમવારે મુંબઈમાં બે મોટી ભરતી જોવા મળશે
– વહેલી સવારે 3.56 મીટર અને સાંજે 3.18 મીટર ઊંચી ભરતી થશે. આ કારણે દરિયા કિનારે જવાની મનાઈ કરાઈ છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે અને જરુરી હોય તો જ બહાર નીકળવા સૂચના આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમ કે પુણે, નાસિક, સાતારા, રત્નાગિરિ અને મરાઠવાડામાં પણ એલર્ટ જારી કરાયું છે. વીજળી પડવાની અને વાવાઝોડાની પણ શક્યતા છે. હાલની પરિસ્થિતિને જોતા લોકોને સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.