મધ્યરાત્રિએ ઋષભ પંતે મુખ્યમંત્રી પાસે મદદ માંગી: ઘર બનાવવા જમીન ન મળતાં ધામીને કરી અપીલ, CMએ આપ્યો ખાતરીપૂર્વક જવાબ
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે પોતાના વતન ઉત્તરાખંડ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ત્યાં સ્થાયી થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દિલ્હી છોડીને ઉત્તરાખંડમાં પોતાનું ઘર બનાવવાની યોજના બનાવી રહેલા પંતને છેલ્લા ત્રણ વર્ષથી યોગ્ય જમીન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે કોઈ ઉકેલ ન આવતાં, પંતે મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પાસે સીધી મદદની વિનંતી કરી છે. પંતની આ અપીલ પર મુખ્યમંત્રીએ ત્વરિત પ્રતિક્રિયા આપીને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.
ઋષભ પંત હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે છે. આ મહત્વપૂર્ણ શ્રેણી દરમિયાન પંત પાસે ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ છગ્ગા પૂરા કરવાનો ઐતિહાસિક સિમાચિહ્ન સર કરવાની તક પણ રહેશે.

ઋષભ પંતે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?
મોડી રાત્રે લગભગ ૧:૦૦ વાગ્યે કરેલી પોતાની પ્રથમ પોસ્ટમાં પંતે લખ્યું, “નમસ્તે પુષ્કર ધામી સાહેબ, તમે કેમ છો? હું લાંબા સમયથી ઉત્તરાખંડનો રહેવાસી છું. હું દિલ્હીથી ઉત્તરાખંડ શિફ્ટ થવા માંગુ છું, પરંતુ મને રહેવા માટે યોગ્ય અને મોટો જમીનનો પ્લોટ મળી રહ્યો નથી. હું મારા ઉત્તરાખંડને ખૂબ પ્રેમ કરું છું. હું તમને વિનંતી કરું છું કે મને જમીન મેળવવામાં મદદ કરો, કારણ કે આજકાલ યોગ્ય જમીન શોધવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. મને એક બીજી પણ જમીન મળવાની હતી પરંતુ મળી નથી; તે જમીન ઉત્તરાખંડમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે હતી. હું મારા સાથી પહાડી લોકો વચ્ચે આવીને રહેવા માંગુ છું. કૃપા કરીને આ બાબત પર ધ્યાન આપો; ત્રણ વર્ષ થઈ ગયા છે અને મને હજુ સુધી જમીન મળી નથી.”
@pushkardhami hello sir how’s you ??? It’s a long time for me especially being local from Uttrakhand . I have been trying to buy land to shift my base from Delhi to Uttrakhand and I couldn’t find anything facilitating and big to live here I love my Uttrakhand. My humble request…
— Rishabh Pant (@RishabhPant17) August 7, 2026
આ પોસ્ટના થોડા જ સમય બાદ પંતે બીજી એક ભાવુક પોસ્ટ કરી, જેમાં તેણે લખ્યું, “આ રાજ્યમાંથી આવતા હોવા છતાં ઉચ્ચ સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવા બદલ જો કોઈ ભેટ મળે તો તે સારું રહેશે, પરંતુ જો તમે ઇચ્છો તો, હું સરકાર પાસેથી નિયમ મુજબ જમીન ખરીદવા પણ સંપૂર્ણ તૈયાર છું. ઓછામાં ઓછું, મારા પોતાના રાજ્યમાં મારું એક ઘર તો હોવું જોઈએ.”
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આપી પૂર્ણ સહાયની ખાતરી
ઋષભ પંતના આ ભાવુક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. પંતને જવાબ આપતા મુખ્યમંત્રી ધામીએ X પર લખ્યું:
प्रिय ऋषभ, आप उत्तराखण्ड के गौरव हैं। आपने अपने शानदार खेल और उपलब्धियों से देश-दुनिया में देवभूमि का नाम रोशन किया है। अपनी मातृभूमि के प्रति आपका यह प्रेम और यहां वापस आकर योगदान देने की भावना अत्यंत सराहनीय है।
आपके द्वारा उठाए गए विषय के संबंध में संबंधित अधिकारियों को… https://t.co/v3iFQVpxUK
— Pushkar Singh Dhami (@pushkardhami) August 8, 2026
“પ્રિય ઋષભ, તમે ઉત્તરાખંડનું ગૌરવ છો. તમારી શાનદાર રમત અને સિદ્ધિઓ દ્વારા તમે દેશ અને દુનિયામાં આપણી ‘દેવભૂમિ’નું માન વધાર્યું છે. તમારા વતન પ્રત્યેનો તમારો પ્રેમ અને અહીં પાછા ફરવાની તેમજ યોગદાન આપવાની તમારી ઈચ્છા ખરેખર પ્રશંસનીય છે. તમે જે મુદ્દો ઉઠાવ્યો છે તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે. તેઓ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે અને સરકારી નિયમો અનુસાર શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી કરશે.”