મુંબઈ ઈન્ડિયન્સની મોટી જાહેરાત: IPL 2027માં રોહિત શર્મા ફરી બનશે કેપ્ટન, નીતા અંબાણીએ વ્યક્ત કર્યો આનંદ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની સીઝન પહેલાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે એક મોટો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઈઝીએ અનુભવી બેટર અને ટીમના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને ફરી એકવાર ટીમની કમાન સોંપી છે. લગભગ ત્રણ વર્ષ બાદ રોહિત શર્મા કેપ્ટન તરીકે મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી કરશે. તેમના નેતૃત્વમાં ટીમે અગાઉ પાંચ IPL ટાઇટલ જીત્યાં હતાં. હવે ફ્રેન્ચાઈઝીને આશા છે કે રોહિતની વાપસીથી ટીમ ફરી ચેમ્પિયન બનવાની દિશામાં આગળ વધશે.
IPL 2027 માટેની હરાજી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાવાની છે. આ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ અંગેની જાહેરાતે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ટીમ મેનેજમેન્ટે નવા નેતાની પસંદગી માટે અનેક વિકલ્પો હોવા છતાં પોતાના જૂના અને સફળ કેપ્ટન પર વિશ્વાસ મૂક્યો છે.

હાર્દિક પંડ્યાની વિદાય બાદ રોહિતને ફરી જવાબદારી
વર્ષ 2024માં મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનશિપમાં મોટો ફેરફાર કર્યો હતો. રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. તે સમયે સૂર્યકુમાર યાદવને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. જોકે, આ ફેરફાર બાદ ટીમને અપેક્ષિત સફળતા મળી નહોતી.છેલ્લી ત્રણ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. મેદાન પરના પ્રદર્શન ઉપરાંત ટીમને અનેક વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો. પરિણામે, મેનેજમેન્ટે ટીમના નેતૃત્વમાં ફરી ફેરફાર કરવાનો નિર્ણય લીધો.
હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સમાં ટ્રેડ કરવામાં આવ્યો અને તેના બદલામાં ઝડપી બોલર અર્શદીપ સિંહ મુંબઈની ટીમમાં જોડાયો. હાર્દિકની વિદાય બાદ કેપ્ટનશિપ માટે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા જેવા ખેલાડીઓનાં નામ ચર્ચામાં હતાં. તિલક વર્માને તાજેતરમાં ઈન્ડિયા ‘A’ ટીમના કેપ્ટન તરીકે જવાબદારી મળતાં તેમની નેતૃત્વ ક્ષમતા અંગે પણ ચર્ચા થઈ હતી.પરંતુ અંતે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો. રોહિતની અનુભવ અને અગાઉની સફળતા ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
Smile, everybody smile 💙
#MumbaiIndians #CaptainRo https://t.co/YUqYZTQxu9
— Mumbai Indians (@mipaltan) November 27, 2026
નીતા અંબાણીએ રોહિતની વાપસીને ગણાવી ખાસ ક્ષણ
રોહિત શર્માની કેપ્ટન તરીકે વાપસી અંગે મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે રોહિત સાથેના ટીમના લાંબા સંબંધો અને તેની કારકિર્દીના વિકાસ અંગે વાત કરી.નીતા અંબાણીએ જણાવ્યું કે, “અમે 2011માં રોહિત માટે બોલી લગાવી હતી, અને તે ક્ષણથી જ તે અમારા મુંબઈ ઈન્ડિયન્સ પરિવારનો હિસ્સો બની ગયો.”
તેમણે વધુમાં કહ્યું કે, રોહિતને એક ક્રિકેટર, ચેમ્પિયન અને નેતા તરીકે વિકસતો જોવો તેમના માટે આનંદ અને ગર્વની વાત રહી છે. ટીમ તેની 20મી સીઝનમાં પ્રવેશ કરી રહી છે ત્યારે રોહિતને ફરી કમાન સંભાળતા જોવું એક ખાસ ક્ષણ છે.નીતા અંબાણીએ રોહિતને એક શ્રેષ્ઠ નેતા ગણાવતાં આશા વ્યક્ત કરી કે તેમનો નવો કાર્યકાળ ટીમ અને તેના લાખો ચાહકો માટે ગર્વની અનેક ક્ષણો લઈને આવશે. મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ‘પલ્ટન’ તરીકે ઓળખાય છે અને રોહિત સાથે તેમનો ખાસ જોડાણ રહ્યો છે.
રોહિત-પોલાર્ડની જોડી પર મુંબઈની આશા
IPL 2027માં મુંબઈ ઈન્ડિયન્સના કોચિંગ સેટઅપમાં પણ ફેરફાર જોવા મળશે. કિરોન પોલાર્ડને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે રોહિત શર્મા કેપ્ટન અને કિરોન પોલાર્ડ મુખ્ય કોચ તરીકે ટીમને માર્ગદર્શન આપશે.
The story 𝗼𝗳 𝗖𝗮𝗽𝘁𝗮𝗶𝗻 𝗥𝗼𝗵𝗶𝘁 𝗦𝗵𝗮𝗿𝗺𝗮 is far from over 💙
The 5️⃣-time title-winning skipper is back at the helm for @mipaltan for #TATAIPL 2027 🫡
@ImRo45 https://t.co/tMeaaXVyU2
— IndianPremierLeague (@IPL) November 27, 2026
રોહિત અને પોલાર્ડ બંને મુંબઈ ઈન્ડિયન્સ સાથે લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે. બંનેએ અગાઉ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેથી ફ્રેન્ચાઈઝીને આશા છે કે આ જોડાણ ફરી ટીમને ટાઇટલ જીતવામાં મદદ કરશે.
રોહિત શર્મા IPLમાં કેપ્ટનશિપના આંકડાઓમાં પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેમણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 158 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં ટીમે 87 જીત મેળવી, 67 મેચમાં હારનો સામનો કર્યો અને ચાર મેચ ટાઈ રહી હતી. IPLમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનારા ખેલાડીઓની યાદીમાં તેઓ મહેન્દ્ર સિંહ ધોની પછી બીજા સ્થાને છે.
