ડેવલોપર્સના ધંધામાં રોકાણ કરીને ડબલ ફાયદો કરવાની લાલચ આપીને ભુજના વેપારી દંપતિ સાથે પિતા-પુત્ર દ્વારા રૂ.૫૦.૫૦ લાખની છેતરપિંડી
ભુજ શહેરમાં રેડીમેડ લેડીસ ગાર્મેન્ટસની દુકાન ચલાવતા દંપતિ સાથે કપડાનું કારખાનું ચલાવતા પિતા-પુત્રએ ડેવલોપર્સના ધંધામાં રોકાણ કરીને રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને દંપતિ સાથે રૂ.૫૦.૫૦ લાખની છેતરપિંડી કરી હતી. જે મામલે ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગે ફરિયાદી કિર્તીભાઇ ચમનલાલ વેરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર
તેઓ શહે૨ની તળાવ શેરીમાં રિયલ ચોઇસ નામની લેડીઝ ગાર્મેન્ટની દુકાન ચલાવી રહ્યા હતા. દુકાનના વ્યવસાયમાં તેમના પત્ની રેખાબેન પણ સાથે રહેતા હતા. આ દરમ્યાન તા. ૨૬-૨૦-૨૦૧૭ થીતા. ૮-૦૧-૨૦૧૯ દરમ્યાન બનાવ બન્યો હતો. જેમાં સિમંધર સીટીમાં રહેતા પુલિન નવીનચંદ્ર પવાણી તથા તેના પુત્ર કેવલ પુલિનચંદ્ર પવાણીના સંપર્કમાં આવ્યા હતા. આરોપી પુલિન તથા તેના પુત્ર કેવલે રેખાબેનને અમારૂં ડેવલોપર્સનું કામ હોવાનું કહીને જો તેમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને રોકાણ કરવાનું કહીને જરૂર પડ્યે રૂપિયાપરત મળી જશે તેવી ખાતરી આપી હતી.
તેથી ફરિયાદી દંપતિએ તેમના પર વિશ્વાસ મુકીને
પહેલાં રૂ. ૧ લાખ અને બાદમાં સંબંધીઓ પાસેથી ઉછિના નાણાં મેળવીને કુલ રૂ.૫૦.૫૦ લાખ બંન્નેને આપ્યા હતા. જોકે બાદમાં જ્યારે નાણાંની જરૂરિયાત ઉભી થઇ ત્યારે બંન્નેએ આરોપીઓ પાસેથી રૂપિયા પરત માંગ્યા હતા ત્યારે આરોપીઓએ અન્યત્ર રૂપિયા રોકાયા હોવાનું કહીને વાત ટાળી હતી, ત્યારબાદ ફરીથી દંપતિએ રૂપિયા માંગતા અવનવા બહાના તેઓ બનાવતા હતા. જોકે છેલ્લા આરોપીઓએ તમારા રૂપિયા ભુલી જજો, નહીં મળે. હવે રૂપિયા માંગશો તો પરિણામ સારૂં નહીં આવે તેવી ધમકી આપી હતી.
આરોપીઓની ધમકીથી મહિલાની તબિયત લથડી અને બ્રેઈનસ્ટ્રોક આવ્યો
આરોપીઓની ધમકીથી ચિંતામાં મુકાયેલા રેખાબેનની તબિયત લથડી ગઇ હતી અને રૂપિયા ફસાઇ ગયાની ચિંતામાં રેખાબેનને વર્ષ ૨૦૨૨માં બ્રેઇનસ્ટ્રોક આવ્યો હતો. તેથી તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થયું હતું. બાદમાં ફરિયાદીના પુત્રોએ પણ વારંવાર આરોપીઓ પાસે રૂપિયા માંગ્યા હતા પરંતુ તેમને કોઇ જવાબ આપવામાં નહીં આવતાં આખરે ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો તળે ફરિયાદ નોંધાવાઇ હતી. ગુનાની તપાસ પી.આઇ. એ.એમ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.