શાંતિ વાટાઘાટો વચ્ચે રશિયાએ કિવને નિશાન બનાવ્યું, વિશ્વભરમાં નિંદા
ગુરુવારે (28 ઓગસ્ટ, 2025) સવારે રશિયાએ યુક્રેન પર મિસાઇલ અને ડ્રોન વડે મોટો હુમલો કર્યો. આ હુમલામાં 4 બાળકો સહિત કુલ 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 38 નાગરિકો ઘાયલ થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલાને શાંતિ વાટાઘાટોના પ્રયાસો સામે રશિયાનો પ્રતિભાવ ગણાવ્યો છે.
નાગરિક વિસ્તારો અને ઈમારતોને નુકસાન
આ હુમલાએ યુક્રેનના સાત જુદા જુદા જિલ્લાઓમાં ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે, જેમાં યુરોપિયન યુનિયન (EU) મિશનનું મુખ્યાલય અને બ્રિટિશ કાઉન્સિલનો પણ સમાવેશ થાય છે. યુક્રેનિયન સેનાએ દાવો કર્યો છે કે તેમણે રશિયા દ્વારા છોડવામાં આવેલા 600 ડ્રોનમાંથી 563 અને 31 મિસાઇલોમાંથી 26 મિસાઇલોને તોડી પાડી હતી.
રોઇટર્સના અહેવાલ મુજબ, એક ઇમારત સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી, જ્યાં બચાવકર્તાઓએ બે મૃતદેહો શોધી કાઢ્યા હતા. આ હુમલાઓ કલાકો સુધી ચાલ્યા હતા, જેના કારણે યુક્રેનિયન નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
રશિયા-યુક્રેન વચ્ચે તણાવ
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ‘X’ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને રશિયાના આ પગલાની નિંદા કરી. તેમણે લખ્યું, “રશિયા વાટાઘાટોના ટેબલ પર બેસવાને બદલે બેલિસ્ટિક મિસાઇલો પસંદ કરે છે. તે યુદ્ધ સમાપ્ત કરવાને બદલે હત્યા ચાલુ રાખવા માંગે છે.”
બીજી તરફ, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે તેમના હુમલા ફક્ત લશ્કરી અને ઔદ્યોગિક થાણાઓ પર જ થયા હતા. જોકે, તાજેતરના દિવસોમાં નાગરિક વિસ્તારો પરના હુમલાઓમાં અનેક લોકો માર્યા ગયા છે. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ આ હુમલાને તાજેતરના મહિનાઓમાં શહેર પર થયેલા સૌથી મોટા હુમલાઓમાંથી એક ગણાવ્યો. તેમણે અલાસ્કામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત પછી પણ કોઈ પરિણામ ન મળવા પર નિરાશા વ્યક્ત કરી.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા
આ હુમલાની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ આ ઘટનાને આઘાતજનક ગણાવી અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરએ પણ રશિયન હુમલાની નિંદા કરતા કહ્યું કે, પુતિન બાળકો અને નાગરિકોની હત્યા કરીને શાંતિની આશાઓ પર પાણી ફેરવી રહ્યા છે. આ હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો આંચકો આપ્યો છે.