ઋતુરાજની ધીમી બેટિંગ પર મુરલી કાર્તિક લાલઘૂમ: કહ્યું- ‘શું એક સિંગલ રન લેવો પણ મુશ્કેલ હતો?’
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની બેટિંગે ક્રિકેટ જગતમાં એક નવી ચર્ચા છેડી દીધી છે. એક તરફ ચેન્નાઈએ આ મુકાબલામાં વાપસી કરીને સન્માનજનક સ્કોર બનાવ્યો, તો બીજી તરફ ગાયકવાડની અત્યંત ધીમી ગતિની ઇનિંગ ટીકાકારોના નિશાના પર આવી ગઈ છે. ખાસ કરીને પૂર્વ ક્રિકેટર મુરલી કાર્તિકે ગાયકવાડના આ અભિગમને આધુનિક T20 ક્રિકેટમાં ‘ગૂંચવણભર્યો’ અને ‘અસ્વીકાર્ય’ ગણાવ્યો છે.
મેચની શરૂઆત ચેન્નાઈ માટે ખૂબ જ પડકારજનક રહી હતી. શરૂઆતની 12 ઓવરમાં ટીમ જાણે ફસાઈ ગઈ હોય તેવું લાગતું હતું. પિચ થોડી અઘરી હતી અને ગુજરાતના ફાસ્ટ બોલરોએ તેનો પૂરો ફાયદો ઉઠાવીને CSKના ચાર મહત્વના બેટ્સમેનોને વહેલા પેવેલિયન ભેગા કરી દીધા હતા. આ સ્થિતિમાં સ્કોર બોર્ડ પર 12 ઓવરના અંતે માંડ 50 રન નોંધાયા હતા. જોકે, સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટ પછી રમતનું પાસું પલટાયું અને ચેન્નાઈએ છેલ્લી 8 ઓવરમાં તોફાની બેટિંગ કરતા 107 રન ઝુડી કાઢ્યા. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 60 બોલમાં 74 રન બનાવીને અણનમ રહ્યો, જે આ સીઝનની તેની પ્રથમ ફિફ્ટી હતી. જેમી ઓવરટને પણ છેલ્લી 18 બોલમાં 29 રન ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
IPL 2026, CSK vs GT
વિવાદ ગાયકવાડની ઇનિંગના પહેલા ભાગને લઈને શરૂ થયો છે. પોતાની ઇનિંગની પહેલી 42 બોલમાં ઋતુરાજ માત્ર 35 રન જ બનાવી શક્યો હતો, જેમાં આશ્ચર્યજનક રીતે 24 બોલ તો ‘ડોટ’ હતા એટલે કે એક પણ રન આવ્યો નહોતો. મુરલી કાર્તિક આ વાતથી ઘણા નારાજ દેખાયા. તેમણે પર વાત કરતા કહ્યું કે, ઈમ્પેક્ટ સબના યુગમાં 49 બોલમાં અડધી સદી પૂરી કરવી એ સમજની બહાર છે. કાર્તિકે સવાલ ઉઠાવ્યો કે, “શું તમે એક રન પણ નહોતા લઈ શકતા? તમે કદાચ ફોર્મમાં ન હોવ એટલે મોટા શોટ્સ ન લાગે તે સમજાય, પણ સતત આટલી બધી ડોટ બોલ રમવી અને સ્ટ્રાઈક રોટેટ ન કરવી એ ગંભીર બાબત છે.”
જોકે, આ ચર્ચામાં દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી શોન પોલોકે ગાયકવાડનો પક્ષ લીધો હતો. પોલોકે તર્ક આપ્યો કે જ્યારે બીજી બાજુથી વિકેટો પડતી હોય અને પિચ રમવા માટે મુશ્કેલ હોય, ત્યારે ટીમને કોઈ એવા ખેલાડીની જરૂર હોય છે જે અંત સુધી ટકી રહે. તેમણે કહ્યું કે ભલે T20માં ‘એન્કર’ શબ્દ જૂનો થઈ ગયો હોય, પણ ક્યારેક ટીમની જરૂરિયાત મુજબ આવી ઇનિંગ રમવી પડે છે. અંતે ટીમ 160 રન સુધી પહોંચી ગઈ તે જ દર્શાવે છે કે ગાયકવાડનો નિર્ણય ટીમ માટે યોગ્ય સાબિત થયો.
બીજી તરફ, ભારતીય ટીમના પૂર્વ કોચ સંજય બાંગરે આ બાબતે મધ્યમ માર્ગ અપનાવતા જણાવ્યું કે ગાયકવાડની ધીમી બેટિંગ પાછળ મેનેજમેન્ટનો કોઈ હાથ નહીં હોય, પણ આ તેની પોતાની માનસિકતા હતી. બાંગરે નોંધ્યું કે જેવી ગાયકવાડની માનસિકતા (intent) બદલાઈ અને તેણે આક્રમક શોટ્સ રમવાનું શરૂ કર્યું, પિચ અચાનક સહેલી લાગવા માંડી હતી. બાંગરના મતે, ગાયકવાડ જો ઇનિંગની શરૂઆતથી જ આ ઈન્ટેન્ટ બતાવે તો તે વધુ અસરકારક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચોમાં ઋતુરાજ પોતાની આ ટીકાઓનો જવાબ બેટથી કેવી રીતે આપે છે.

