Sabar Dairy farmers protest: સાબર ડેરી સામે પશુપાલકોનો રોષ યથાવત

Arati Parmar
2 Min Read

Sabar Dairy farmers protest: દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો

Sabar Dairy farmers protest: સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ આજે પાંચમા દિવસે પણ યથાવત રહ્યો. દૂધના ભાવમાં થતા અન્યાય સામે પશુપાલકોએ હક માટે લડત તેજ કરી છે. દરરોજની સરેરાશ દૂધ આવક કરતાં 16 લાખ લીટર ઓછું દૂધ ડેરીમાં પહોંચ્યું છે, જે ડેરી માટે ગંભીર સંકેત છે.

ડેરીમાં આવક ઘટી, માત્ર 10 લાખ લીટર દૂધની એન્ટ્રી

ગત દિવસોમાં સાબર ડેરીમાં સરેરાશ 26 લાખ લીટર દૂધ આવતું હતું, પણ ગુરુવારે આ આંકડો માત્ર 10 લાખ લીટર સુધી સીમિત રહ્યો. જેના કારણે સાબર ડેરી પર એક તંગ સ્થિતિ ઊભી થઈ છે.

Sabar Dairy farmers protest

રસ્તા પર દૂધ ઢોળીને અને મફતમાં વિતરણ કરીને નોંધાવ્યો વિરોધ

પશુપાલકોના આંદોલનનું સ્વરૂપ હવે માત્ર ટેન્કર અટકાવવાનો રહી નથી. કેટલાક સ્થળોએ દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ વ્યક્ત થયો, તો બીજી બાજુ શાળાઓ અને જરૂરિયાતમંદ લોકોમાં દૂધ મફતમાં વિતરણ કરીને અનોખો સંદેશ પણ અપાયો.

બાયડથી પોશીના અને અરવલ્લી સુધીનો વ્યાપક રોષ

આંદોલનની અસર માત્ર સાબરકાંઠા સુધી સીમિત રહી નથી. અરવલ્લી જિલ્લામાં પણ દૂધ મંડળીઓ બંધ રહેવાના સમાચાર આવ્યા છે. મોડાસાના સાકરીયા ગામે લગભગ 250 સભાસદોએ દૂધ ભરાવવાનું બંધ કર્યું છે. છેલ્લા ચાર દિવસમાં અહિયાં 60 લાખ લીટરથી વધુ દૂધ ડેરી સુધી પહોંચ્યું નથી.

Sabar Dairy farmers protest

સેવાકાર્યો માટે અપાયું દૂધ, જનભાવનાનો ઉમળકો

અંદોલન દરમ્યાન પશુપાલકોએ દૂધનો વેડફાટ ન કરતાં તેનો સેવાકાર્યમાં ઉપયોગ કર્યો છે. મેઢાસણ ગામના યુવકોએ 300 લીટર દૂધ અન્નપૂર્ણા ટ્રસ્ટ જેવી સેવાસંસ્થાને આપ્યું.

1800 મંડળી ધરાવતી સાબર ડેરી મુશ્કેલીમાં

સાબર ડેરી સાથે સંકળાયેલી 1800 જેટલી દૂધ મંડળીઓમાંથી અનેક અચોક્કસ મુદત માટે બંધ છે. પરિણામે દૈનિક આવકમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. ડેરીની નીતિ અને ભાવફેર વિરુદ્ધ ઉઠતી આ અવાજો ત્યારે શાંત થશે, જ્યારે પશુપાલકોને યોગ્ય જવાબ મળશે.

Share This Article