જન્મદિવસે યોજાઈ ગેરકાયદેસર પાર્ટી
સાણંદના ગ્લેડ વન રિસોર્ટ ખાતે એક પ્રાઈવેટ પાર્ટીમાં દારૂ અને હુક્કાની મહેફિલ યોજાઈ હોવાની બાતમીના આધારે પોલીસે તુરંત રેડ કરી હતી. આ પાર્ટી જન્મદિવસ નિમિત્તે યોજાઈ હતી જેમાં દારૂ પીરસવામાં આવતો હતો અને લોકો હુક્કાનું પણ સેવન કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી લગભગ 30થી 40 જેટલી દારૂની બોટલ અને 7 હુક્કા કબજે કર્યા છે.
26 યુવતીઓ અને 13 યુવકો દારૂ પીધેલા હાલતમાં ઝડપાયા
આ મહેફિલમાં કુલ 39 લોકો હાજર હતા, જેમાંથી 26 યુવતીઓ અને 13 યુવકો દારૂના નશામાં ઝડપાયા હતા. પોલીસે યુવતીઓને ચેતવણી સાથે છોડી દેવામાં આવ્યા છે જ્યારે યુવકો સામે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
હુક્કામાં શંકાસ્પદ નશાવાળું પદાર્થ હોવાનું અનુમાન
પોલીસે 7 જેટલા હુક્કા પણ કબજે કર્યા છે. તેમાં કોઈ નશાવાળી ચીજ વાપરવામાં આવી છે કે નહીં તે અંગે વિગતો જાણવા માટે પોલીસએ તાત્કાલિક FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લીધી છે. જો હુક્કામાં નશાવાળું પદાર્થ હોવાનું સાબિત થશે તો NDPS કાયદા હેઠળ ગુનો નોંધાશે.
દારૂ લાવનાર શખ્સની તપાસ શરૂ
આ મહેફિલ માટે દારૂ ક્યાંથી લવાયું તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ મિત નામના શખ્સ સામે તપાસ ચલાવી રહી છે.
સમગ્ર વિસ્તારમાં શરૂ થઈ પોલીસ તપાસ
સાણંદ સહિત આસપાસના વિસ્તારોમાં આવેલી તમામ રિસોર્ટ, ફાર્મ હાઉસ, ક્લબ અને વીકએન્ડ વિલામાં આવા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ તો ચાલી રહી નથી ને? તે અંગે પોલીસ દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ ટીમો હવે તમામ સંસ્થાઓની તટસ્થ રીતે તપાસ કરશે.
સાવચેતી માટે અપીલ:
સાર્વજનિક સ્થળો પર ગેરકાયદેસર નશો કે દારૂનું સેવન કે આયોજન ગુનાહિત છે. આવા પ્રયાસોથી દૂર રહો અને કાયદાનું પાલન કરો. જો તમને આવી કોઈ ઘટના જાણમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરો.