T20 વર્લ્ડ કપ 2026: સંજુ સેમસનનો સપાટો, મોહમ્મદ કૈફે કરી દિલ જીતી લેનારી વાત
T20 વર્લ્ડ કપ 2026માં વેસ્ટ ઈન્ડિઝ સામેની નિર્ણાયક મેચમાં સંજુ સેમસને રમેલી 97 રનની અણનમ ઇનિંગ્સ અત્યારે ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે. આ મેચમાં ભારતની જીત બાદ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે સંજુના સંઘર્ષ અને તેની ક્ષમતા વિશે ભાવુક નિવેદન આપ્યું છે. કૈફના મતે, આ ઇનિંગ્સ માત્ર એક સ્કોર નથી, પણ સંજુની ધીરજ અને ટેલેન્ટનો વિજય છે.
સેમીફાઈનલની ટિકિટ અને સંજુનો જાદુ
સુપર-8 ના છેલ્લા અને અત્યંત મહત્વના મુકાબલામાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. આ ‘કરો યા મરો’ જેવી સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝે 195 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે સંજુ સેમસન તારણહાર સાબિત થયો. તેણે માત્ર 50 બોલમાં અણનમ 97 રન ફટકારીને ભારતને જીત અપાવી. તેની ઇનિંગ્સમાં આક્રમકતા અને પરિસ્થિતિ મુજબની સમજદારીનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.
સાઉથ આફ્રિકા સામેની હાર ટર્નિંગ પોઈન્ટ બની
મોહમ્મદ કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર વિશ્લેષણ કરતા જણાવ્યું કે, ભારતની સાઉથ આફ્રિકા સામે મળેલી અગાઉની હાર હકીકતમાં ટીમ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. કૈફના જણાવ્યા મુજબ
સાઉથ આફ્રિકા સામેની હારને કારણે ટીમ મેનેજમેન્ટ કોમ્બિનેશન પર વિચાર કરવા મજબૂર થયું.
ટીમમાં ડાબા હાથના બેટ્સમેનોની સંખ્યા વધુ હોવાથી સંજુને તક આપવાનો નિર્ણય લેવાયો.
જે ખેલાડી અત્યાર સુધી બેન્ચ પર બેસીને સાથી ખેલાડીઓ માટે ડ્રિંક્સ લાવતો હતો, તેણે જ મેદાનમાં આવીને ઈતિહાસ રચી દીધો.
વિરાટ કોહલી પછીનો મોટો રેકોર્ડ
કૈફે સંજુની આ ઇનિંગ્સને ખાસ ગણાવતા કહ્યું કે, T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતે ક્યારેય 195 રન જેવો મોટો ટાર્ગેટ ચેઝ કર્યો નહોતો. અગાઉ 160 રન સુધીના લક્ષ્ય હાંસલ કરવામાં વિરાટ કોહલી મુખ્ય ભૂમિકા ભજવતો હતો. હવે કોહલી બાદ સંજુ સેમસને આવો મોટો સ્કોર ચેઝ કરીને બતાવ્યું છે કે તે પણ મેચ વિનર છે. કૈફે ઉમેર્યું કે, જે ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો, તેણે જ મુશ્કેલ સમયે ટીમનું નાવડું પાર ઉતાર્યું છે.

