પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થવાના આરે: સકલેનની અજીબ ‘બેવકૂફ-દિલેર-બુઝદિલ’ થિયરી, મોહમ્મદ હફીઝ હસી-હસીને લોટપોટ
કોલંબોમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2026ના મુકાબલામાં ન્યુઝીલેન્ડે યજમાન શ્રીલંકાને 61 રને હરાવીને પાકિસ્તાનની સેમીફાઈનલની આશાઓને મોટો ફટકો માર્યો છે. ન્યુઝીલેન્ડ અત્યારે સુપર-8 ના ગ્રુપ-2 માં (+) 3.05 ના શાનદાર રન રેટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ, ઈંગ્લેન્ડ સામે હારેલી પાકિસ્તાની ટીમ અત્યારે ત્રીજા સ્થાને છે અને તેનું ભવિષ્ય હવે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી સકલેન મુશ્તાકે એક એવી થિયરી આપી કે ટીવી પેનલ પર બેઠેલા મોહમ્મદ હફીઝ, ઉમર ગુલ અને સના મીર પોતાની હસી રોકી શક્યા નહોતા.
સકલેન મુશ્તાકની ‘ચાર કેટેગરી’ વાળી થિયરી
પાકિસ્તાની ટીમની નિષ્ફળતા અને સિસ્ટમમાં રહેલી ખામીઓ પર ચર્ચા કરતા સકલેને ટીમો અને સંસ્થાઓને ચાર ભાગમાં વહેંચી હતી:
અક્કલમંદ અને દિલેર: જેમનામાં જ્ઞાન વધુ હોય અને તે બહાદુરીથી રમે (જેમ કે ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ).
ઓછી અક્કલ અને ઓછી દિલેરી.
બુઝદિલ (ડરપોક) અને ઓછી અક્કલ વાળા.
બુઝદિલ અને બેવકૂફ.
સકલેને વધુમાં ઉમેર્યું કે, “ટોચ પર પહોંચવા માટે નોલેજ હોવું જરૂરી છે, જે તમને આત્મવિશ્વાસ અને બહાદુરી આપે છે. જો તમે આપણી ટીમના કોઈ બોલરને પૂછશો, તો તે માત્ર ફીલ્ડિંગ બતાવશે, તે ભણેલા-ગણેલા નથી હોતા. જ્યારે વિદેશી બોલરો આખી રિસર્ચ કરીને મેદાનમાં ઉતરે છે. આપણે મજબૂત બનવા માટે આવી સિસ્ટમ બનાવવી પડશે.”
હફીઝનો વેધક સવાલ: ‘આપણે ક્યાં ફિટ થઈએ છીએ?’
જ્યારે સકલેન પોતાની વાત પૂરી કરી રહ્યા હતા, ત્યારે સાથે બેઠેલા મોહમ્મદ હફીઝ, ઉમર ગુલ અને સના મીર હસી રહ્યા હતા. હફીઝે સકલેનને વચ્ચે જ અટકાવીને મજાકમાં પૂછ્યું, “આ બધું તો ઠીક, પણ આપણી ટીમ આમાંથી કઈ કેટેગરીમાં આવે છે?” ઉમર ગુલે પણ આ જ સવાલ દોહરાવ્યો. હફીઝે હસતા હસતા કટાક્ષ કર્યો કે, “મેં તો મારી ટીમને 10મું સ્થાન આપ્યું હતું.”
🚨Saqlain Mushtaq goes mental after Sri Lanka’s crushing defeat dims Pakistan’s semifinal prospects
Here’s Saqlain’s version of science defending Pakistan’s poor run of form in T20 World Cup😂😂😂 pic.twitter.com/dQPIBnfV2c
— Brutal Truth (@sarkarstix) February 26, 2026
પાકિસ્તાન માટે હવે શું છે સમીકરણ?
પાકિસ્તાનની સેમીફાઈનલની આશા હવે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પર ટકી છે. જો 2022ની ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ ન્યુઝીલેન્ડને હરાવી દે, તો જ પાકિસ્તાન માટે રસ્તો ખુલ્લો થશે. પરંતુ તે માટે પાકિસ્તાને શ્રીલંકા સામેની પોતાની છેલ્લી મેચ ખૂબ જ મોટા અંતરથી જીતવી પડશે. હાલના સંજોગો જોતા પાકિસ્તાન માટે કુદરતનો કરિશ્મા જ તેમને બચાવી શકે તેમ લાગે છે.
