સરફરાઝ ખાને બે મહિનામાં 17 કિલો વજન ઘટાડ્યું, નવા લૂકથી બધાનું ધ્યાન ખેંચ્યું
ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાન છેલ્લા ઘણાં સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેમ છતાં, તેણે હાર ન માની અને પોતાની ફિટનેસ પર ખૂબ જ મહેનત શરૂ કરી. હવે સરફરાઝ ખાને માત્ર બે મહિનાની અંદર 17 કિલો વજન ઘટાડીને ચમત્કારિક પરિવર્તન કર્યું છે. તેનું નવું લુક હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
21 જુલાઈના રોજ, સરફરાઝ ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જીમમાંથી ફોટા શેર કર્યા હતા, જેમાં તે એકદમ તંદુરસ્ત અને ફિટ લાગી રહ્યો છે. ફોટાની સાથે સરફરાઝે લખ્યું હતું કે તેણે 17 કિલો વજન ઓછું કર્યું છે. તેની આ યાત્રા સ્પષ્ટ કરે છે કે તે પોતાની ફિટનેસથી પસંદગીકારોને પ્રભાવિત કરવા માંગે છે.
ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે ફિટનેસ મહત્વપૂર્ણ માપદંડ બની ગયો છે. સરફરાઝે પોતાની ક્ષમતા ઘણીવાર સાબિત કરી છે, પણ ફિટનેસના કારણે તે ટીમમાં સ્થાન નથી મેળવી શક્યો. જોકે ઇંગ્લેન્ડ લાયન્સ સામે એક ઇનિંગમાં તેણે 92 રન બનાવ્યા હતા, તેમ છતાં તેને વધુ તક આપવામાં આવી નથી.
સરફરાઝ હવે પોતાની જાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને, જીમમાં કસરત કરીને, વજન ઘટાડીને, ફરી એકવાર ભારતની ટીમમાં સ્થાન મેળવવા માટે આતુર છે. નવી ફિટનેસ હાલતને કારણે તે ફિલ્ડિંગ અને રનિંગ વચ્ચે વધુ ઝડપથી દોડ શકશે, જે તેના ઓવરઓલ પ્રદર્શનમાં અસરકારક બની શકે છે.
ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન પણ સરફરાઝના પરિવર્તનથી પ્રભાવિત થયા છે. તેમણે ટ્વીટ કરીને સરફરાઝની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “શાનદાર પ્રયાસ યુવાન ખેલાડી. મજબૂત શરીર, મજબૂત મન. ખુશી છે કે તુ તારી પ્રાથમિકતા છે.” પીટરસનએ વધુમાં મજાકિય ટિપ્પણી પણ કરી કે, “શું કોઈ પૃથ્વી શૉને પણ આ બતાવી શકે?”
સરફરાઝનું આ પરિવર્તન ઘણાં યુવાન ખેલાડીઓ માટે પ્રેરણાદાયક બની શકે છે કે મહેનત, સંકલ્પ અને લક્ષ્યપ્રાપ્તિના દ્રઢ નિશ્ચયથી કોઈપણ બદલાવ શક્ય છે. હવે જોવું રહ્યું કે BCCI અને પસંદગીકારો તેની નવી સિદ્ધિને કેવી રીતે લે છે.