બાબાસાહેબ આંબેડકર ચેર દ્વારા પરિસંવાદનું આયોજન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર ચર્ચા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાબાસાહેબ આંબેડકર ચેર-સેન્ટર દ્વારા તાજેતરમાં ‘ડો. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦’ વિષય પર એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણાને તેમના સમાજમાં વિશિષ્ટ યોગદાન બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીના હસ્તે ‘ભીમરત્ન’ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
બાબાસાહેબના વિચારો અને શિક્ષણનું મહત્વ
એવોર્ડ સ્વીકાર્યા બાદ કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે બાબાસાહેબ આંબેડકર દીકરા-દીકરીના સમાન શિક્ષણના આગ્રહી હતા. તેમણે વિદ્યાને માનવતા અને ચારિત્ર્ય ઘડતરનું માધ્યમ ગણાવ્યું હતું. આજના સમયમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીયું જ્ઞાન મેળવવાને બદલે આત્મસન્માન અને સાચા માનવીય ગુણો કેળવે તે ખૂબ જરૂરી છે. શિક્ષકોને પણ તેમણે રાષ્ટ્ર ઘડતરના સાચા સારથિ બની યંત્રવત શિક્ષણને બદલે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવા હાકલ કરી હતી.
માનવીય ગુણો અને જીવન ઘડતરની શીખ
યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ પોતાના વક્તવ્યમાં ડો. આંબેડકરના વાણી, વર્તન અને વ્યવહાર પરના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ જો બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાનામાં માનવીય મૂલ્યો ઉતારશે, તો જ તેમનું શિક્ષણ સાર્થક ગણાશે. તેમણે રાજ્યમાં મોડલ તરીકે કામ કરી રહેલા આંબેડકર ચેર-સેન્ટરની શૈક્ષણિક પ્રવૃત્તિઓ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિજેતાઓનું સન્માન
પરિસંવાદમાં દિલ્હી અને અન્ય સ્થળોએથી આવેલા નિષ્ણાતોએ પણ બાબાસાહેબના શિક્ષણ પ્રત્યેના દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓ, સંશોધકો અને ફેલોશિપ મેળવતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના હોદ્દેદારો, પ્રોફેસરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

