ખોટા દસ્તાવેજ અને નકલી પગાર સ્લિપથી બેંક સાથે મોટાપાયે છેતરપિંડી
દાહોદ શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની બે શાખાઓમાં મોટું લોન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેમાં નકલી શિક્ષક અને એસટી ચાલક બની અનેક લોકોએ ખોટા દસ્તાવેજો તથા બનાવટી પગાર સ્લિપ દ્વારા લોન મેળવી બેંકને છેતરપીંડી કરી છે.
ફરિયાદ મુજબ, દાહોદના એ અને બી ડિવિઝન પોલીસ મથકોમાં કુલ ૩૧ શખ્સો સામે ગુનો નોંધાયો છે અને અત્યાર સુધીમાં પૂર્વ શાખા વ્યવસ્થાપકો તથા લોન એજન્ટો સહિત ૧૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી પાંચ આરોપીને રિમાન્ડ આપવામાં આવ્યા છે અને કેટલાકને આજે કોર્ટમાં રજૂ કરવાના બાકી છે.
યાદગાર ચોક શાખામાં છેતરપીંડીનો પાયો
યાદગાર ચોક સ્થિત શાખામાં ૨૦ જૂન ૨૦૨૨થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ વચ્ચે તત્કાલીન શાખા વ્યવસ્થાપક ગુરમિતસિંહ બેદી દ્વારા ૧૯ લોકો સાથે મળી લોનમાં છેતરપીંડી કરાઈ હતી. આરોપીઓએ જાતને શિક્ષક અથવા એસટી ચાલક તરીકે ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યા હતા. લોન સ્વીકારતી વખતે પગાર સ્લિપમાં નેટ પગાર બદલે કુલ પગાર દર્શાવાતો હતો, જેથી વધુ લોન મંજૂર થતી હતી. ઘણા અરજદારોના ખાતા પૂર્વે અયોગ્ય હતાં છતાં લોન મંજૂર કરાઈ હતી.
વિવિધ ગામના રહીશો અને ખોટા ઉપયોગના કેસ
આ કૌભાંડમાં દાહોદ, મહીસાગર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ગ્રામિણ વિસ્તારોના રહીશો સામેલ છે. જેમા કેટલાકએ ખોટા નોકરીના પ્રમાણપત્ર રજૂ કર્યા હતા તો અન્યોએ સરકારી યોજનાઓ હેઠળ મળેલી લોનનો ખોટો ઉપયોગ કર્યો હતો. એક અરજદારે ચાર માળનું મકાન બતાવી લોન લીધી પરંતુ કાર્ય અધૂરું રાખી રકમ અન્ય ઉપયોગમાં લીધી હતી.
સ્ટેશન રોડ શાખામાં પણ મોટી છેતરપીંડી
દાહોદના સ્ટેશન રોડ શાખામાં ૧ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૨૦ જૂન ૨૦૨૪ વચ્ચે બરાબર તેવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં શાખા વ્યવસ્થાપક મનીષ ગવલે સહિત ૧૦ લોકો લોન કૌભાંડમાં શામેલ હોવાનું બહાર આવ્યું છે. નોકરીનું ખોટું સ્થળ અને ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મંજુર કરાવવામાં આવી હતી.
પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી
દાહોદના નાયબ પોલીસ વડા જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસની ધમધમાટ શરૂ કરી છે. અત્યાર સુધીમાં શાખા વ્યવસ્થાપકો, લોન એજન્ટ અને અન્ય લોકો મળી કુલ ૧૮ શખ્સોને પકડવામાં આવ્યા છે. હજુ પણ કેટલીક ધરપકડ બાકી છે.
બેંકિંગ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન
આ કૌભાંડથી બેંકિંગ વ્યવસ્થાની પારદર્શિતા અને ખાતરીપાત્ર પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ભવિષ્યમાં આવી છેતરપીંડી ન થાય તે માટે વ્યવસ્થાપન અને ચકાસણીની પ્રક્રિયા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ફરીથી સ્પષ્ટ બની છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે.