વડાપ્રધાન મોદીએ મારૂતિની પ્રથમ ઇલેક્ટ્રિક SUV ને લીલીઝંડી આપી
- ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાંથી ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ, બેટરી ઇકોસિસ્ટમને પણ વેગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે એક નવયુગની શરૂઆત કરી છે. તેમણે ગુજરાતના હાંસલપુર સ્થિત સુઝુકી મોટરના પ્લાન્ટની મુલાકાત લીધી અને ત્યાંથી મારૂતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક SUV, મારુતિ E વિટારા, ના ઉત્પાદનને લીલીઝંડી આપી. આ સાથે, ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રે એક મોટું પગલું ભરાયું છે.
પીએમ મોદીએ આ પ્રસંગે “ગ્રીન ટ્રાન્સપોર્ટેશન” ના વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે આ પહેલને “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના તેમના સંકલ્પનું પરિણામ ગણાવ્યું. આ ઉપરાંત, વડાપ્રધાને પ્લાન્ટમાંથી કારથી ભરેલી માલગાડી ટ્રેન સેવાને પણ લીલીઝંડી આપી, જે પરિવહન ક્ષમતા વધારશે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં આ પ્લાન્ટમાંથી દરરોજ સરેરાશ 600 કારનું પરિવહન ત્રણ ટ્રેનો દ્વારા કરવામાં આવે છે.
ભારતમાં જ બનશે બેટરી: બેટરી ઇકોસિસ્ટમનો આગામી તબક્કો
વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમ દરમિયાન બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત કરાવી. આ પ્લાન્ટ તોશિબા, ડેન્સો અને સુઝુકીનું સંયુક્ત સાહસ છે. આનાથી ભારતમાં જ 80% થી વધુ બેટરીનું ઉત્પાદન શક્ય બનશે, જેનાથી આયાત પરની નિર્ભરતા ઘટશે અને ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે.
ગુજરાતને સોમવારે મળી હતી 5400 કરોડની ભેટ
આજના મહત્વપૂર્ણ કાર્યક્રમો પહેલા, વડાપ્રધાન મોદીએ સોમવારે ગુજરાતને રૂ. 5,400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં રેલવે, રસ્તા, વીજળી, આવાસ અને શહેરી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. રેલવે ક્ષેત્રે રૂ. 1,400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સમર્પિત કરવામાં આવ્યા હતા, જેમાં મહેસાણા-પાલનપુર રેલ્વે લાઈનનું ડબલિંગ, કલોલ-કડી-કટોસણ રોડ લાઇનનું ગેજ કન્વર્ઝન અને બિચરાજી-રનુજ રેલ્વે લાઇનનું કામ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ ઉત્તર ગુજરાતના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ કાર્યક્રમો પછી વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે.