ડ્રોન પ્રતિબંધિત ક્ષેત્ર: પીએમ મોદીની મુલાકાત પહેલા મણિપુરમાં સુરક્ષા કડક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને મણિપુરની મુલાકાત લેવાના છે, જે મે 2023માં વંશીય હિંસા ફાટી નીકળ્યા બાદ તેમની પહેલી મુલાકાત હશે. આ સંભવિત મુલાકાત પર શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને મણિપુરની મુલાકાત લેતા બે-ત્રણ વર્ષ લાગ્યા. “જ્યારે મણિપુર સળગી રહ્યું હતું, ત્યારે તેમણે ત્યાં જવાની હિંમત નહોતી કરી,” રાઉતે કહ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે હવે મોદીજીનો વડાપ્રધાન પદ છોડવાનો સમય આવી ગયો છે, તેથી તેઓ ત્યાં “પર્યટન” માટે જઈ રહ્યા છે.
આ પહેલા, સંસદમાં પણ વિપક્ષે મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પીએમ મોદી પર રાજ્યની મુલાકાત ન લેવા બદલ નિશાન સાધ્યું હતું
પીએમનો સંભવિત કાર્યક્રમ
આઈઝોલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીએમ મોદી 13 સપ્ટેમ્બરે મિઝોરમની મુલાકાત લીધા બાદ મણિપુર પહોંચશે, જ્યાં તેઓ એક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જોકે, આ મુલાકાતની કોઈ સત્તાવાર પુષ્ટિ નવી દિલ્હી કે ઇમ્ફાલથી કરવામાં આવી નથી. ભાજપના મણિપુર એકમે પણ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
ડ્રોન પ્રતિબંધિત ક્ષેત્ર
વડાપ્રધાનની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને, મણિપુરના ચુરાચંદપુર જિલ્લાને ‘ડ્રોન પ્રતિબંધિત ક્ષેત્ર’ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય VVIPsની સુરક્ષાને વધુ કડક બનાવવા માટે લેવામાં આવ્યો છે. ચુરાચંદપુર કુકી સમુદાયનો ગઢ છે અને મિઝોરમને અડીને આવેલો છે, જ્યાં હિંસાની ઘટનાઓ વધુ બની છે.
મે 2023માં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી વંશીય હિંસામાં 260 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર થયા છે. આ પરિસ્થિતિમાં પીએમની મુલાકાત રાજકીય અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.