વસંત ગજેરા પર IT ના દરોડા વચ્ચે વકીલોનો વિસ્ફોટ: “સુરત પોલીસ મોટા પાયે પૈસા ખાઈને બેઠી છે!”
સુરતનાં ડાયમંડ બિઝનેસમાં મોટું માથું મનાતા વસંત ગજેરાની કંપનીઓ પર આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વસંત ગજેરા અને તેમના મળતિયાઓ સામે બે વર્ષ પહેલાં સુરતનાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદના અનુસંધાનમાં અરજદારનાં ગુજરાત હાઈકોર્ટનાં વકીલ પી.એસ.સુરતી અને બી.વી.પાલેકરે કેટલાક સનસનાટીપૂર્ણ ખૂલાસા કર્યા છે.
બન્ને વકીલોએ મીડિયાને જણાવ્યું કે સુરતનાં જાણીતા ડાયમંડ મર્ચન્ટ અને બિલ્ડર વસંત ગજેરા તથા લક્ષ્મી ડેવલોપર્સ તેમજ પાર્ટનર્સને ત્યાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ ચાલી રહી છે. આ રેડ દરમિયાન મીડિયાના માધ્યમથી અન્ય બાબત તરફ ધ્યાન દોરવા માંગું છું. સુરત અને મુંબઈના સ્થળો પર દરોડા ચાલી રહ્યા છે પરંતુ સુરતની પોલીસ હજુ પણ સુઈ રહી છે. ઈન્કમટેક્સવાળા પણ સંભવિત રીતે તેમની ધરપકડ કરવા માટે કાર્યશીલ છે. આ દરમિયાનમાં 2024 થી 2026 એમ બે વર્ષનાં સમયગાળા દરમિયાન હજુ પણ જમીનનાં પ્રકરણમાં સુરત પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે અને હજુ સુધી નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે પોલીસ મોટાપાયે પૈસા ખાઈને બેઠી હોય એવું પ્રાઈમાફેસી દેખાઈ આવે છે.
વસંત ગજેરા કેસમાં નવો વળાંક
તેમણે વધુમાં કહ્યું કે સીઆરપીસીમાં 90 દિવસની જોગવાઈ છે. તેમ છતાં બે વર્ષનાં સમયગાળામાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. આના કારણે ભોગ બનેલાઓને ટ્રાન્સફર ઓફ ઈન્વેસ્ટીગેશન કરવાની અરજી કરવાની ફરજ પડે છે. અધિકારીઓ પોતાનું વ્યવસ્થિત કામ કરતા નથી તેના અનુસંધાને પોલીસ વિરુદ્વ એક્શન લેવાની અરજી પણ પેન્ડીંગ છે, જેને પણ આશરે એક વર્ષ કરતાં વધુનો સમય વીતી ગયો છે. એટલે કે ભારતમાં ગરીબ માણસ માટે ન્યાય મેળવવો હજુ પણ સ્વપ્ન છે.
તેમણે કહ્યું કે 2024માં સુપ્રીમ કોર્ટનાં ચૂકાદા મુજબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે એ ફરિયાદને બે વર્ષનો સમય વીતી ગયો છે. આરોપીઓ પકડાતા નથી, પોલીસ કહે છે અમે તપાસ કરી રહ્યા છીએ. હાલમાં પણ આરોપીઓ વિરુદ્વ કોઈ કાર્યવાહી થઈ નથી. તપાસકર્તા અધિકારી એનવી ઉપાધ્યાયે આ કામમાં કોઈ તપાસ કરી નથી કે વસંત ગજેરા કે તેમના મળતિયાઓની ધરપકડ કરી નથી કે કોઈ કાર્યવાહી કરી નથી.ફરિયાદી ન્યાય મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. ફરિયાદ દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું છે. આ જમીન 90 કરોડથી પણ વધારે માતબર રકમની જમીન આવેલી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તપાસનીશ અધિકારી એનવી ઉપાધ્યાય અને પોલીસ કમિશનર વસંત ગજેરા, તેમના ભાઈઓ કે પાર્ટનર્સ સંતાકૂકડીની જે ગેમ રમી રહ્યા છે તેનાં પર પૂર્ણવિરામ મૂકવામાં આવે.બંધારણ અને કાયદા મુજબ જે પ્રક્રિયા એટલે કે 90 દિવસામાં ચાર્જશીટ થાય છે તે પ્રમાણે તેમની તાત્કાલિક ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે.
