લિપ-રીડરનો દાવો: ટ્રમ્પ-પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધ, સહકાર અને સ્પષ્ટ સંદેશોની ચર્ચા થઈ
અલાસ્કાના એલ્મેનડોર્ફ એર ફોર્સ બેઝ પર 15 ઓગસ્ટ, 2025ના રોજ થયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેના શિખર સંમેલન પર હવે નવો ખુલાસો થયો છે. એક લિપ-રીડર દ્વારા બંને નેતાઓ વચ્ચેના પ્રારંભિક સંવાદના શબ્દો જાહેર કરવામાં આવ્યા છે, જે વૈશ્વિક દ્રષ્ટિએ ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અહેવાલો મુજબ, ટ્રમ્પ અને પુતિન છ વર્ષ પછી પહેલી વખત આમને-સામને આવ્યા હતા. આ મુલાકાતનું મુખ્ય ઉદ્દેશ યુક્રેન યુદ્ધના અંત માટે માર્ગ શોધવાનો હતો. ટ્રમ્પે એરબેઝ પર પુતિનનું સ્વાગત કરતા કહ્યું, “આખરે, તમે આવી ગયા છો. તમને મળીને આનંદ થયો અને હું તેની પ્રશંસા કરું છું.” જેના જવાબમાં પુતિને કહ્યું, “આભાર. હું તમને મદદ કરવા માટે અહીં છું.” ટ્રમ્પે તરત જ જવાબ આપ્યો કે તેઓ પણ સહયોગ કરવા માંગે છે.

યુક્રેન યુદ્ધ અંગે ખુલ્લી વાતચીત
ડેઇલી મેઇલના અહેવાલ અનુસાર, પુતિને યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું, “તેમને ફક્ત પૂછવાની જરૂર છે,” જેનો જવાબ ટ્રમ્પે આપ્યો, “મને આશા છે.” આ સંવાદ યુદ્ધ સમાપ્ત કરવાની પૂરી તૈયારીના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
જ્યારે પુતિન એરબેઝ પર ઉતર્યા ત્યારે પત્રકારોએ પૂછ્યું કે તેઓ નાગરિકોની હત્યા ક્યારે બંધ કરશે, પરંતુ પુતિને એવો ભાવ આપ્યો કે જાણે તેમને પ્રશ્ન સાંભળાયો જ ન હોય.

અસ્પષ્ટ પણ રસપ્રદ સંવાદ
લિપ-રીડરના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે પુતિનને કહ્યું કે, “હાથ મિલાવીએ, આ સારી છાપ પાડશે,” જેના પર પુતિને તેમનો આભાર માન્યો. ઉપરાંત, પુતિને ટ્રમ્પ પાસેથી માહિતી માંગતાં કહ્યું, “મને માહિતી આપો,” જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, “આ કાર્ગો ઇંધણ છે.” જોકે આ સંવાદનો સદંતર અર્થ સ્પષ્ટ નથી.
વૈશ્વિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ મુલાકાત
આ શિખર સંમેલન માત્ર યુદ્ધની ચર્ચા માટે જ નહીં, પણ વિશ્વમાં શાંતિના સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ છે કે આ વાટાઘાટો યુદ્ધવિરામ તરફ કોઈ ઠોસ પગલું ભરાવે છે કે નહીં.
