સાઉદી અરેબિયા બસ દુર્ઘટના: 42 ભારતીયોના મોત; હૈદરાબાદના એક જ પરિવારના 7 સભ્યોનાં નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
સાઉદી અરેબિયામાં ગમખ્વાર બસ દુર્ઘટનામાં 42 ભારતીય યાત્રીઓનાં મોત થયા છે. મક્કાથી મદીના જતી વખતે બસ ડીઝલ ટેન્ક સાથે અથડાઈને ભડકે બળી હતી. મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. હૈદરાબાદના એક જ પરિવારના 7 લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે.
સોમવારે સાઉદી અરેબિયામાં એક માર્ગ અકસ્માતમાં 42 ભારતીયોના મોત થયા છે. આ અકસ્માત મક્કાથી મદીના જતી વખતે થયો હતો, જ્યારે એક બસ ડીઝલ ટેન્ક સાથે ટકરાઈ હતી. ટક્કર થતાં જ બસમાં આગ લાગી ગઈ હતી. મૃત્યુ પામેલા લોકોમાં 20 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. અકસ્માતમાં હૈદરાબાદના રહેવાસી એક જ પરિવારના 7 લોકો પણ માર્યા ગયા છે.

PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ જણાવ્યું હતું કે રિયાધમાં વાણિજ્ય દૂતાવાસ તમામ સંભવિત મદદ પૂરી પાડી રહ્યું છે.
તેમણે લખ્યું, “મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલી દુર્ઘટનાથી મને ઘેરો આઘાત લાગ્યો છે. મારી સંવેદનાઓ તે પરિવારોની સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અમારા અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.”
કોન્સ્યુલેટ દ્વારા હેલ્પલાઈન જારી
બસ દુર્ઘટના બાદ ભારતીય દૂતાવાસ તરફથી હેલ્પલાઈન જારી કરવામાં આવી છે. દૂતાવાસે જણાવ્યું કે, “સાઉદી અરેબિયાના મદીના નજીક ભારતીય ઉમરા યાત્રીઓ સાથે થયેલી દુઃખદ બસ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, જેદ્દાહ સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસમાં 24×7 કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. હેલ્પલાઇનનો સંપર્ક નંબર 8002440003 છે.“
પરિવારજનોએ સરકાર પાસે માંગી મદદ
હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ તહસીને જણાવ્યું કે આ અકસ્માતમાં તેમના પરિવારના 7 લોકોના મોત થયા છે. તમામ લોકો ધાર્મિક યાત્રા પર ગયા હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન યુવકે સરકાર પાસે મદદની વિનંતી કરી છે. આ સાથે જ તેણે માંગણી કરી છે કે પરિવારજનોના મૃતદેહોને ભારત લાવવામાં સરકાર મદદ કરે.

વિદેશ મંત્રીએ પણ વ્યક્ત કર્યો શોક
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સાઉદી અરેબિયામાં થયેલા આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, “મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલી દુર્ઘટનાથી ખૂબ જ આઘાત લાગ્યો છે. રિયાધ સ્થિત અમારું દૂતાવાસ દુર્ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને પૂરી સહાયતા પ્રદાન કરી રહ્યું છે.”

