BU પરમિશન અને લીઝ દસ્તાવેજોના વિવાદને લઈને શાળા પ્રશાસન દબાણમાં
અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાઈસ્કૂલમાં માન્યતા અને કાનૂની દસ્તાવેજોની અછતનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. વાલી મંડળ સંઘર્ષ સમિતિના સભ્યો આજે મોટી સંખ્યામાં શાળાએ પહોંચી મેનેજમેન્ટ સામે સીધી રજૂઆત કરી હતી. વાલીઓએ સ્પષ્ટ માંગણી કરી છે કે શાળાએ એફિલિએશન સર્ટિફિકેટ, જમીનની લીઝ ડીડ, BU પરમિશન સહિતના તમામ જરૂરી દસ્તાવેજો તરત જ જાહેર કરવા જોઈએ. શાળાની માન્યતા સાચી છે કે નહીં તે અંગે વાલીઓને હવે મોટી શંકા ઘર કરી રહી છે.

AMC અને DEOની નોટિસ છતાં શાળા પુરાવા રજૂ કરી શકી નથી
આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શાળાને BU પરમિશન અને લીઝ સંબંધિત શો-કોઝ નોટિસ પાઠવી હતી. તે જ સમયે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ શાળાને 12 મહત્વનાં દસ્તાવેજો રજૂ કરવા કહ્યું હતું. પરંતુ, અનેક દિવસો બાદ પણ શાળા AMC કે DEO સમક્ષ આવશ્યક પુરાવા આપી શકી નથી. શાળા પ્રશાસનનું કહેવું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત બાબતો અલગ વિભાગ જુએ છે અને પોતાનું કામ માત્ર શિક્ષણ પૂરું પાડવાનું છે.

વાલીઓમાં રોષ, બાળકોના ભવિષ્ય અંગે ગંભીર ચિંતા
વાલીઓનું કહેવું છે કે શાળાનું મેનેજમેન્ટ અવાગરવાની ભૂમિકા ભજવી રહ્યું છે અને બાળકોના ભવિષ્ય સાથે બેદરકારીપૂર્વક વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પુરાવા રજૂ ન થવાથી વાલીઓમાં ભય સર્જાયો છે કે સ્કૂલની માન્યતા પર અસર પડી શકે છે, જે સીધી રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર કરશે. હાલ વાલીઓ શાળાને તાત્કાલિક તમામ જરૂરી દસ્તાવેજો જાહેર કરવાની માંગ સાથે વધુ કડક પગલાંની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

