રોડ બંધ કરવાની કામગીરી માટે જાહેરનામું બહાર પાડ્યું
અમદાવાદના વ્યસ્ત માર્ગો પૈકીના એક એવા એસ.જી. હાઈવે પર આગામી દિવસોમાં મોટા ફેરફાર થવાના છે. કર્ણાવતી ક્લબથી વાયએમસીએ ક્લબ સુધીનો રસ્તો આગામી છ મહિનાઓ માટે બંધ રહેવાનો છે. ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આ માર્ગ પર ઓવરબ્રિજના નિર્માણ માટે પિલ્લર પર ગર્ડર મુકવાની કામગીરી હાથ ધરાશે, જેના લીધે આ વિભાગમાં વાહનવ્યવહાર બંધ રહેશે.
રોડ બંધ કરવા માટે તૈયારી, હવે ગણતરીના દિવસો
જોકે હાલ માર્ગ સંપૂર્ણ રીતે બંધ કરાયો નથી, પરંતુ ટ્રાફિક વિભાગના સૂત્રો મુજબ ચારથી પાંચ દિવસમાં આ માર્ગ બંધ કરવાની તજવીજ હાથ ધરાશે. જેને કારણે લોકો અને દૈનિક મુસાફરી કરનાર વાહનચાલકો માટે માર્ગ બદલવા જરૂરી બની રહેશે.
ટ્રાફિક માટે વિકલ્પ રસ્તાઓની વ્યવસ્થા
ટ્રાફિક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા માર્ગવિભાગ મુજબ, સાણંદ અને સરખેજ તરફથી આવતા વાહનો વાયએમસીએ ક્લબથી ડાબી તરફ વળી ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ મારફતે ફરી કર્ણાવતી ક્લબ સુધી પહોંચી શકશે. ઇસકોનથી સરખેજ તરફ જતો માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો રહેશે.
ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કામ પૂર જોશમાં
શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા તેમજ ભવિષ્યમાં વધુ સુગમ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે બ્રિજનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે આજનું આયોજન જરૂરી અને લાબાગાળાનું પગથિયું માનવામાં આવી રહ્યું છે.