પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ: મેદાન પર ડ્રામા, શાહીન આફ્રિદીનો ગુસ્સો અને પાકિસ્તાની ફિલ્ડિંગનો એ જ જૂનો અંદાજ
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શ્રેણીની શરૂઆત કંઈક એવી રીતે થઈ છે જેની ચર્ચા સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટના ગલિયારામાં જોરશોરથી થઈ રહી છે. ઢાકામાં શરૂ થયેલી આ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે પાકિસ્તાની ટીમની એ ‘જૂની બીમારી’ ફરી એકવાર બહાર આવી, જેના કારણે આ ટીમ અવારનવાર ટ્રોલ થતી રહે છે. આ બીમારી છે નબળી ફિલ્ડિંગ અને હાથમાં આવેલા આસાન કેચ છોડવા.
જ્યારે શાહીન આફ્રિદી ‘આગબબૂલા’ થયા
મેચના પાંચમી ઓવરમાં જ મેદાન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ લયબદ્ધ બોલિંગ શરૂ કરી હતી. પાંચમી ઓવરના પહેલા જ દડે શાહીને બાંગ્લાદેશી બેટ્સમેન મહમૂદુલ હસન જોયને થાપ આપી. બોલ બેટની બહારની કિનારી લઈને સીધો સ્લિપમાં ઉભેલા સલમાન આગા પાસે ગયો. એ કેચ એટલો સરળ હતો કે જેને ક્રિકેટની ભાષામાં ‘લડ્ડુ કેચ’ કહેવામાં આવે છે.
પરંતુ સલમાન આગાએ તે તક ગુમાવી દીધી. બોલ તેના હાથને અડીને જમીન પર પડી ગયો. આ જોઈને શાહીન આફ્રિદીનો પિત્તો ગયો. તે લાલચોળ થઈ ગયો અને ગુસ્સામાં સલમાન તરફ જોઈને કંઈક બડબડતો જોવા મળ્યો. આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું અને જોતજોતામાં વાયરલ થઈ ગયું. પાકિસ્તાની ફેન્સ ફરી એકવાર પોતાની ટીમની ફિલ્ડિંગ પર સવાલો ઉઠાવવા લાગ્યા છે.
નસીબ સારા કે કેચ છોડવો મોંઘો ન પડ્યો
પાકિસ્તાની ચાહકો માટે રાહતની વાત એ રહી કે સલમાન આગા દ્વારા છોડવામાં આવેલો આ કેચ ટીમને બહુ મોંઘો સાબિત થયો નહીં. જ્યારે કેચ છૂટ્યો ત્યારે મહમૂદુલ હસન જોય માત્ર 4 રન પર રમી રહ્યો હતો. જોકે, તે આ જીવનદાનનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને માત્ર 4 રન વધુ જોડીને 8 રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો. રસપ્રદ વાત એ છે કે તેને શાહીન આફ્રિદીએ જ પેવેલિયન ભેગો કર્યો, જેનાથી શાહીનનો ગુસ્સો થોડો શાંત થયો હશે.
ત્યારબાદ હસન અલીએ પણ પોતાની બોલિંગનો જાદુ બતાવ્યો અને બીજા ઓપનર શાદમાન ઈસ્લામને 13 રને આઉટ કર્યો. એક સમયે બાંગ્લાદેશનો સ્કોર 31 રનમાં 2 વિકેટ થઈ ગયો હતો અને પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં જણાતું હતું. પરંતુ ત્યારબાદ મોમિનુલ હક અને કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ બાજી સંભાળી અને સ્કોરને 100 રન પાર પહોંચાડ્યો હતો.
બાબર આઝમની ગેરહાજરી: ઈજા કે કોઈ મોટું કાવતરું?
આ મેચની સૌથી આશ્ચર્યજનક બાબત પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન હતી. પાકિસ્તાનના સૌથી મોટા બેટ્સમેન બાબર આઝમ આ મેચમાં રમી રહ્યા નથી. મેચના એક દિવસ પહેલા અચાનક એવી જાહેરાત કરવામાં આવી કે બાબર આઝમ ઈજાગ્રસ્ત છે અને તે પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં.
A early catch drop by Pakistan 🙁pic.twitter.com/FSJW1QbsqC
— Danish (@PctDanish) May 8, 2026
જોકે, આ બાબત પાકિસ્તાની ક્રિકેટમાં એક નવો વિવાદ છેડી ગઈ છે. સોશિયલ મીડિયા પર અને પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બાબર આઝમ સંપૂર્ણ સ્વસ્થ છે. એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તેને કોઈ ‘ષડયંત્ર’ હેઠળ ટીમની બહાર રાખવામાં આવ્યો છે. પીસીબી (PCB) અને ટીમ મેનેજમેન્ટ પર આક્ષેપો થઈ રહ્યા છે કે ટીમમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. સત્ય શું છે તે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જ જાણે, પણ બાબરની ગેરહાજરીથી ટીમની મધ્યમ ક્રમની બેટિંગ નબળી પડી હોય તેવું ચોક્કસ લાગે છે.
