Shankarbhai Chaudhary Geniben Thakor: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાહેરમાં કર્યા ગેનીબેન ઠાકોરના વખાણ, કાર્યક્રમમાં હળવો માહોલ
Shankarbhai Chaudhary Geniben Thakor: બનાસકાંઠાના ભાભર ખાતે ગઇકાલે રાજકીય સૌજન્ય અને સકારાત્મક સંવાદનું અનોખુ દ્રશ્ય જોવા મળ્યુ હતું. અહીં યોજાયેલા આંજણા પટેલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર એક જ મંચ પર હાજર રહ્યા હતા. સામાન્ય રીતે રાજકારણમાં વિરોધી પક્ષોના નેતાઓ વચ્ચે ટકરાવ જોવા મળે છે, પરંતુ આ કાર્યક્રમમાં બંને વચ્ચે સૌજન્યપૂર્ણ વાતચીત અને પરસ્પર માનસન્માનનો અદભુત માહોલ રહ્યો હતો.
શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં ગેનીબેન ઠાકોરના રાજકીય કારકિર્દી અને સંઘર્ષની પ્રશંસા કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, “બેન, હવે હું તમને ઓળખું છું અને તમે પણ મને ઓળખો છો,” જે વાતથી સમગ્ર કાર્યક્રમમાં હાસ્ય અને હળવાશનું વાતાવરણ છવાઈ ગયું હતું. રાજકારણમાં આ પ્રકારની સકારાત્મક ટિપ્પણીઓ ભાગ્યે જ જોવા મળે છે અને આ પ્રસંગે શંકરભાઈએ રાજકીય સૌજન્યનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ દરમિયાન શંકરભાઈએ સમાજ અને શિક્ષણના ક્ષેત્રે એકતા અને સહયોગની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ગેનીબેન ઠાકોર અને મંત્રી સ્વરૂપજી ઠાકોરને સંયુક્ત રીતે સમાજ ઉત્થાન માટે કાર્ય કરવાની અપીલ કરી હતી. “સમાજને આગળ ધપાવવો હોય તો શિક્ષણ અને સહકાર સૌથી મોટો આધાર છે,” એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજકીય વિચારધારામાં ભિન્નતા હોવા છતાં, સમાજના હિત માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ.

આ સ્નેહમિલન કાર્યક્રમમાં આંજણા પટેલ સમાજના આગેવાનો, યુવાનો અને અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વરૂપજી ઠાકોરની હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો. સમગ્ર પ્રસંગે શંકરભાઈ અને ગેનીબેન વચ્ચેની સકારાત્મક વાતચીતે સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગુજરાતની રાજનીતિમાં સહકાર અને સંવાદની પરંપરા હજી જીવંત છે. ભાભરના આ કાર્યક્રમથી રાજકીય સૌજન્યનો એક નવો માપદંડ સ્થાપિત થયો છે.

