શેહબાઝ શરીફનો કડક નિર્ણય: TLP પર પ્રતિબંધ મૂકીને કટ્ટરવાદ સામે આરપારની લડાઈના સંકેત
પાકિસ્તાન સરકારે તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) વિરુદ્ધ મોટું પગલું ભરતા પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો છે. તહરીક-એ-લબ્બૈક પર 2021માં પણ પ્રતિબંધ મૂકાયો હતો, જે પાછળથી હટાવી લેવામાં આવ્યો હતો.
તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) પર પ્રતિબંધ
પાકિસ્તાનની કેબિનેટે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) પાર્ટી પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. TLP દ્વારા તાજેતરમાં હિંસક પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન શહબાઝ શરીફે કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં પંજાબ સરકારના આતંકવાદ વિરોધી અધિનિયમ (ATA) 1997 હેઠળ આ ધાર્મિક જૂથને ગેરકાનૂની જાહેર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા એક નિવેદનમાં જણાવાયું કે કેબિનેટે સર્વસંમતિથી પ્રતિબંધને મંજૂરી આપી દીધી છે.

2021માં પણ TLP પર પ્રતિબંધ લાગ્યો હતો
કેબિનેટની બેઠકમાં જણાવવામાં આવ્યું કે 2016માં સ્થપાયેલા આ સંગઠને દેશભરમાં હિંસા ભડકાવી છે. આ સંગઠનને કારણે દેશના વિવિધ ભાગોમાં હિંસાની ઘટનાઓ બની છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે TLP પર 2021માં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને છ મહિના પછી આ શરત પર હટાવી લેવાયો હતો કે પાર્ટી ભવિષ્યમાં અશાંતિ અને હિંસક ગતિવિધિઓ નહીં કરે. કહેવામાં આવ્યું છે કે સંગઠન પર વર્તમાન પ્રતિબંધનું એક કારણ 2021માં આપવામાં આવેલી ગેરંટીમાંથી ફરી જવું પણ છે.
TLPએ વિરોધ પ્રદર્શન શા માટે શરૂ કર્યું?
આ પહેલાં, TLP પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પંજાબ સરકાર દ્વારા 16 ઓક્ટોબરે મુખ્યમંત્રી મરિયમ નવાઝની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણય TLP દ્વારા લાહોરમાં વિરોધ માર્ચ શરૂ કરવાના 5 દિવસ પછી લેવાયો હતો.
TLPએ 11 ઓક્ટોબરે “ગાઝા એકતા” માર્ચના નામે એક વિરોધ પ્રદર્શન શરૂ કર્યું અને ઇસ્લામાબાદ પહોંચીને અમેરિકી દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કરવાનો સંકલ્પ લીધો. જોકે, તેણે લાહોરથી લગભગ 60 કિલોમીટર દૂર મુરીદકેમાં પડાવ નાખ્યો, જ્યાંથી તેને 13 ઓક્ટોબરે ખસેડવામાં આવ્યું.
પોલીસ અને TLP સમર્થકો વચ્ચે અથડામણ
મુરીદકેમાં પોલીસ અને TLP સમર્થકો વચ્ચેની અથડામણોમાં લગભગ 16 લોકો માર્યા ગયા હતા, જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ હતા, અને 1,600થી વધુ અન્ય ઘાયલ થયા હતા.
- આ દરમિયાન પાકિસ્તાનની સાયબર ક્રાઇમ વિરોધી એજન્સીએ ભડકાઉ પોસ્ટ કરવાના આરોપમાં કટ્ટરપંથી ઇસ્લામી પાર્ટી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના 100થી વધુ સોશિયલ મીડિયા કાર્યકરોની ધરપકડ કરી છે.
- પંજાબના માહિતી મંત્રી અઝમા બુખારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, “અમે ભડકાઉ પોસ્ટ કરવાના કેસમાં TLPના 107 સોશિયલ મીડિયા કાર્યકરોની ધરપકડ કરી છે અને આવા 75 એકાઉન્ટ બ્લોક કર્યા છે.”

TLPના 6 હજારથી વધુ કાર્યકરોની ધરપકડ
પંજાબ પોલીસનો દાવો છે કે હિંસક અથડામણો પછી અત્યાર સુધી TLPના 6,000થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.
- સરકારે અત્યાર સુધી આ કટ્ટરપંથી પાર્ટી દ્વારા સંચાલિત 61 મદરેસા પણ સીલ કર્યા છે.
- પંજાબ સરકારના ઔકાફ વિભાગને TLPની તમામ મસ્જિદો અને મદરેસાઓનો નિયંત્રણ સોંપવામાં આવ્યો છે.
TLPએ દાવો કર્યો છે કે પોલીસે નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર સીધો ગોળીબાર કર્યો હતો, જેમાં ડઝનબંધ સમર્થકોના મોત થયા અને હજારો ઘાયલ થયા છે.

