એશિયા વોરિયર્સ ટીમમાં શિખર ધવનના નામની જાહેરાત પર વિવાદ: ધવને સોશિયલ મીડિયા પર ફેન્સ સમક્ષ કરી સ્પષ્ટતા
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અચાનક એક મોટા વિવાદને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા ધવને ટૂંક સમયમાં યોજાનારા ‘વર્લ્ડ T20 કોન્ટિનેન્ટલ કપ’ ના આયોજકો સામે સખત નારાજગી વ્યક્ત કરીને તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી (Legal Action) કરવાની ધમકી આપી છે.
શિખર ધવનનો ગંભીર આરોપ છે કે આ T20 લીગના આયોજકોએ તેમની કોઈ પણ જાતની જાણકારી, સંમતિ કે પરવાનગી વિના જ તેમનું નામ ભાગ લેનાર ખેલાડીઓની યાદીમાં સૂચિબદ્ધ કરીને વાપર્યું છે. આ બાબતને ગંભીરતાથી લેતા ભૂતપૂર્વ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે અને ફેન્સને આ પ્રકારની અનધિકૃત અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.
શિખર ધવને સોશિયલ મીડિયા પર આપી કડક પ્રતિક્રિયા
પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગે ખુલાસો કરતા શિખર ધવને લખ્યું હતું કે, “મારા ધ્યાનમાં આવ્યું છે કે મારું નામ વર્લ્ડ T20 કોન્ટિનેન્ટલ કપમાં ભાગ લેનાર ખેલાડી તરીકે દર્શાવવામાં આવ્યું છે. આયોજકોએ મારી પરવાનગી કે પૂર્વ જાણકારી વિના જ મારા નામનો દુરુપયોગ કર્યો છે. મારી કાયદાકીય ટીમ આ આયોજકો સામે ટૂંક સમયમાં કાનૂની કાર્યવાહી કરશે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “હું મીડિયા હાઉસ અને મારા તમામ ચાહકોને વિનંતી કરું છું કે આવી કોઈ પણ અનધિકૃત ખબરો પર બિલકુલ વિશ્વાસ ન કરે. આપ સૌના સતત પ્રેમ અને સમર્થન બદલ આભાર.” ધવનના આ નિવેદન બાદ આયોજકો અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર વિવાદ અને વર્લ્ડ T20 કોન્ટિનેન્ટલ કપ?
આ વર્ષે પહેલીવાર વર્લ્ડ T20 કોન્ટિનેન્ટલ કપનું આયોજન હોંગકોંગ ખાતે કરવાનો નિર્ણય લેવાયો છે. ડિસેમ્બર મહિનામાં યોજાનારી આ લીગમાં વિશ્વભરના ૬૦ થી વધુ નિવૃત્ત ક્રિકેટરો ભાગ લેવાના છે. આ ટૂર્નામેન્ટમાં મુખ્યત્વે ચાર ટીમો – એશિયા વોરિયર્સ, આફ્રિકા લાયન્સ, યુરોપિયન ચેમ્પિયન્સ અને નોર્થ અમેરિકા ઇગલ્સ વચ્ચે મુકાબલા રમાડવાની યોજના છે.
તાજેતરમાં જ આયોજકો તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે શિખર ધવન ‘એશિયા વોરિયર્સ’ ટીમ તરફથી રમતા નજરે પડશે અને આ જ ટીમમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ ઇફ્તિખાર અહેમદ અને સોહેલ તનવીર પણ સામેલ હશે. જોકે, ધવને તરત જ આ દાવાઓને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું છે કે તે આ લીગનો ભાગ નથી.
પ્રખ્યાત ખેલાડીઓની ભાગીદારી અને લીગનું શેડ્યૂલ
જોકે આ લીગનું સંપૂર્ણ શેડ્યૂલ હજી સુધી અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ચર્ચાઓ અનુસાર તેમાં વેસ્ટ ઇન્ડીઝના ડ્વેન સ્મિથ, જેરોમ ટેલર, શ્રીલંકાના ઉપુલ થરંગા તેમજ ભારત તરફથી અગાઉ રમી ચૂકેલા અભિમન્યુ મિથુન અને રાહુલ શર્મા જેવા નિવૃત્ત ખેલાડીઓ ભાગ લેવાના છે.
પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ ભારતના દિગ્ગજ ખેલાડી શિખર ધવનના નામનો દુરુપયોગ કરવાનો આક્ષેપ લાગતાં આખી લીગની સત્તાવારતા અને આયોજકોની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે.
