મોટા વિવાદ બાદ અભિનેત્રી શિલ્પા શિંદેની શોમાં વાપસી! શું હશે નવી સ્ટોરી?
એન્ડ ટીવીના લોકપ્રિય કોમેડી શો ‘ભાભી જી ઘર પર હૈ’ સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી રહી છે. ૯ વર્ષ પહેલાં શોથી અલગ થયેલી અભિનેત્રી શિલ્પા શિંદે ફરી એકવાર ‘અંગૂરી ભાભી’ના રૂપમાં વાપસી કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેનલ અને શોના મેકર્સે શિલ્પા શિંદે સાથે શોમાં કમબેક (વાપસી) કરવા અંગે વાતચીત શરૂ કરી દીધી છે, જે હવે એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગઈ છે. જો બધું બરાબર રહ્યું, તો ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
વર્તમાનમાં આ પાત્ર અભિનેત્રી શુભાંગી અત્રે ભજવી રહી છે, જે છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. પરંતુ મેકર્સનું માનવું છે કે હવે શોને એક “રિવાઇવલ” (નવજીવન)ની જરૂર છે, જેથી તેને નવી શૈલીમાં દર્શકો સમક્ષ રજૂ કરી શકાય.

જણાવવામાં આવી રહ્યું છે કે જો શિલ્પા શિંદે શોમાં વાપસી માટે હા પાડી દે છે, તો ‘ભાભી જી ઘર પર હૈ ૨.૦‘ના નામથી તેનું એક નવું સંસ્કરણ લૉન્ચ કરવામાં આવશે, જેમાં વાર્તા અને પાત્રોની રજૂઆતમાં મોટો ફેરફાર જોવા મળશે.
વિવાદ અને શિલ્પાની વિદાય
વર્ષ ૨૦૧૬માં શિલ્પા શિંદેએ અચાનક શો છોડી દીધો હતો, જેનાથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ હતી. તેમણે શોના નિર્માતાઓ પર માનસિક ઉત્પીડન અને અયોગ્ય કોન્ટ્રાક્ટની શરતો લાદવાના આરોપ લગાવ્યા હતા. બીજી તરફ, પ્રોડક્શન હાઉસે પણ તેમને કાનૂની નોટિસ મોકલી હતી.

બિગ બોસ વિનર શિલ્પા શિંદેની કરિયર
‘ભાભી જી ઘર પર હૈ’ છોડ્યા પછી શિલ્પા કેટલાક જ પ્રોજેક્ટ્સમાં જોવા મળી હતી. તેમણે ‘બિગ બોસ ૧૧‘નો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને બાદમાં ‘ખતરોં કે ખિલાડી ૧૪‘માં પણ ભાગ લીધો હતો. વર્ષ ૨૦૨૩માં તે સબ ટીવીના શો ‘મેડમ સર‘માં એક નાની ભૂમિકામાં જોવા મળી હતી.
જો આ ખબર સાચી સાબિત થાય છે, તો ૯ વર્ષ પછી દર્શકોને ફરી એકવાર તે જૂની અને વહાલી “સહી પકડે હૈ” વાળી અંગૂરી ભાભી જોવા મળી શકે છે.
