ICU માંથી બહાર આવ્યા બાદ શ્રેયસ ઐયરનું પ્રથમ નિવેદન: ‘રિકવરીના માર્ગ પર છું’, ચાહકોનો આભાર માન્યો
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ભારતીય વનડે ટીમના ઉપ-કપ્તાન શ્રેયસ ઐયર અંગે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. સિડનીની હોસ્પિટલમાં દાખલ ઐયરની હાલતમાં સુધારો થયો છે અને તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માંથી બહાર કાઢવામાં આવ્યા છે. ICUમાંથી બહાર આવ્યા બાદ ઐયરે સોશિયલ મીડિયા દ્વારા પોતાનું પ્રથમ નિવેદન બહાર પાડ્યું છે અને તેમની ઇજા પર પણ મોટું અપડેટ આપ્યું છે.

સોશિયલ મીડિયા પર આપ્યો ભાવુક સંદેશ
ઇજાગ્રસ્ત થયા બાદ પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા શ્રેયસ ઐયરે તેમના તમામ પ્રશંસકો, ટીમના સાથીઓ અને શુભચિંતકોનો આભાર માન્યો છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું:
“હું હાલમાં રિકવરી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છું અને દરરોજની સાથે વધુ સારું અનુભવી રહ્યો છું. મને મળેલી તમામ શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ માટે હું ખૂબ આભારી છું. આ મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. તમારા વિચારોમાં મને રાખવા બદલ ખૂબ ખૂબ આભાર.”
ગંભીર હતી ઇજા, ICU માં રાખવા પડ્યા
શ્રેયસ ઐયરને આ ગંભીર ઇજા સિડની વનડેમાં એલેક્સ કેરીનો કેચ પકડવાના પ્રયાસ દરમિયાન થઈ હતી. કેચ લેતી વખતે તેઓ વિચિત્ર રીતે પડ્યા, જેના કારણે તેમને પાંસળી અને બરોળ (spleen) માં ઇજા થઈ. ઇજા એટલી ગંભીર હતી કે તેમને આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) શરૂ થઈ ગયો હતો, જેના કારણે તેમને તાત્કાલિક સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા થોડા સમય માટે ICU માં પણ રાખવા પડ્યા.
— Shreyas Iyer (@ShreyasIyer15) October 30, 2025
ઝડપથી થઈ રહ્યો છે સુધારો
જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં તેમની હાલતમાં ઝડપથી સુધારો થયો છે. BCCI ના એક નિવેદન અને સૂત્રો અનુસાર, ઇજાની તાત્કાલિક ઓળખ થઈ ગઈ હતી અને રક્તસ્રાવને પણ તુરંત અટકાવી દેવામાં આવ્યો હતો. ઐયરની હાલત હવે સ્થિર છે અને તેમને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ પણ જણાવ્યું હતું કે ઐયરની રિકવરી ડોક્ટરોની અપેક્ષા કરતાં વધુ ઝડપથી થઈ રહી છે. તેઓ હવે ખતરાની બહાર છે અને ટૂંક સમયમાં સંપૂર્ણપણે ફિટ થઈને ઘરે પરત ફરી શકે છે.
BCCIની મેડિકલ ટીમ અને સિડનીના વિશેષજ્ઞ ડોકટરો સતત ઐયરની પ્રગતિ પર નજર રાખી રહ્યા છે.
